1 એપ્રિલ પહેલાં બેંક ઓફ બરોડાને મળશે 5042 કરોડનું રોકાણ

નવી દિલ્હી– કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા (બીઓબી)માં 5042 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના મર્જર પહેલાં ફાળવવામાં આવશે. બેંક ઓફ બરોડા સાથે દેના બેંક અને વિજયા બેંકના મર્જરની યોજના 1 એપ્રિલથી અસ્તિત્વમાં આવશે.

શેર બજારને આપેલી જાણકારીમાં બેંક ઓફ બરોડાએ કહ્યું કે, નાણાં મંત્રાલયે બુધવારે 5042 કરોડ રૂપિયાની રકમ ફાળવવાની જાણકારી આપી હતી. બેંકના ઈક્વિટી શેરો (સ્પેશિયલ સિક્યોરિટીઝ / બોન્ડ્સ) પસંદગીયુક્ત ફાળવણી મારફતે આ રકમ બેંકમાં નાખવામાં આવશે. આ સરકારના રોકાણના રૂપમાં હશે. મર્જરની યોજના મુજબ, વિજયા બેંકના શેરહોલ્ડર્સને પ્રતિ 1000 શેરો માટે બેંક ઓફ બરોડાના 402 શેર મળશે. દેના બેંકના શેર હોલ્ડર્સોને પ્રતિ 1000 શેરના બદલામાં બેંક ઓફ બરોડાના 110 શેર મળશે.

તમને જણાવી દઈએ કે, સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં બેંક ઓફ બરોડાની સાથે વિજયા બેંક અને દેના બેંકના મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર બાદ બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે. આ પહેલા અનુક્રમે ભારતીય સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો નંબર આવે છે.  મર્જથી બેંક ઓફ બરોડા પાસે કુલ 9401 બેંક શાખાઓ અને કુલ 13432 એટીએમ સેન્ટરો હશે. આ મર્જરથી ત્રણમાંથી એક પણ બેંકના કર્મચારીઓની છટણી નહીં થાય.

બેંક એક્સપર્ટના જાણાવ્યા અનુસાર મર્જરથી દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકોને થોડી મુશ્કેલી પડી શકે છે. ધીરે ધીરે બેંકોની ચેકબુક,એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈટીમાં ફેરફાર સંભવ છે. મર્જર બાદ બેંક શાખાઓ IFSC કોડ બદલે તેવી શક્યતા છે. જોકે આ ફેરફારો પર અંતિમ નિર્ણય બોર્ડ કરશે.