82 લાખ કરોડ પર પહોંચ્યું આ દેવું, મોદી સરકાર….

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્રમાં સત્તારુઢ મોદી સરકાર ઘણા પ્રકારની યોજનાઓ પર વિચાર કરી રહી છે. બીજી બાજુ દેશની રાજકોષીય ખોટ પણ વધી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે અનુસાર મોદી સરકારના કાર્યકાળમાં દેશના દેવામાં 49 ટકાનો વધારો થયો છે.

કેન્દ્ર સરકારના દેવા પર સ્ટેટસ રિપોર્ટનું આંઠમું સંસ્કરણ જાહેર થયું જે અનુસાર કેન્દ્રની મોદી સરકારના કાર્યકાળ દરમિયાન સરકાર પર દેવું 49 ટકા વધીને 82 લાખ કરોડ રુપિયા પર પહોંચી ગયું. સરકારના દેણા પર નાણામંત્રાલયના આંકડાઓ અનુસાર જૂન 2014માં સરકાર પર કુલ દેવાનો આંકડો 54,90,763 કરોડ રુપિયા હતો જે સપ્ટેમ્બર 2018માં વધીને 82,03,253 કરોડ રુપિયા પર પહોંચી ગયો.

દેવામાં વધારો થવાનું કારણ પબ્લિક ડેટમાં 51.7 ટકાની વૃદ્ધિ છે જે ગત સાડા ચાર વર્ષોમાં 48 લાખ કરોડ રુપિયાથી વધીને 73 લાખ કરોડ પર પહોંચી ગયું. પબ્લિક ડેટમાં આ વધારો ઈન્ટરનલ ડેટમાં 54 ટકાના વધારા સાથે થયો છે જે રકમ લગભગ 68 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.

નાણામંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેવા પર સ્ટેટસ પેપરમાં ભારત સરકારના સમસ્ત દેવા વિશે વિગતવાર માહિતી આપી. સરકાર 2010-11 થી જ સરકારના દેવા પર સ્ટેટસ પેપર લાવી રહી છે.

પેપરમાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારની સમસ્ત દેણદારી મધ્યમ અવધીમાં ઘટાડા તરફ અગ્રેસર છે. સરકાર પોતાની રાજકોષીય ખોટને પહોંચી વળવા માટે માર્કેટ-લિંક્ડ બોરોઈંગ્સનો સહારો લઈ રહી છે. પારંપરિક સૂચકાંકો અનુસાર સરકારનો ડેટ પ્રોફાઈલ ડેટ સસ્ટેનેબિલિટી પેરામીટર્સના આધાર પર યોગ્ય છે અને સતત સુધારા થઈ રહ્યા છે.

દેશના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રથમ આંઠ મહિનામાં નવેમ્બર સુધઈ રાજકોષીય ખોટ 7.17 લાખ કરોડ રુપિયા અથવા આખા વર્ષના 6.24 લાખ કરોડ રુપિયાના લક્ષ્યના 114.8 ટકા રહ્યા છે.