નોકરી બદલનારા પર સરકારની રહેશે નજર, હેતુ રોજગારના ચોક્કસ આંકડાનો…

નવી દિલ્હીઃ સરકાર દેશમાં રોજગારના શ્રેષ્ઠ અને ચોક્કસ આંકડાઓ પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રકારની પદ્ધતિ અપનાવી રહી છે. આ પ્રયાસ અંતર્ગત હવે નોકરી બદલનારા લોકો પર નજર રાખવા માટે એક સિસ્ટમ લાવવાની યોજના છે, જેથી રોજગારની સમગ્ર તસવીર સામે આવી શકે. રોજગારના મોરચે વિપક્ષના હુમલાઓનો સામનો કરી રહેલી સરકાર માટે આ પ્રકારના પગલાં ભરવા જરુરી બની ગયાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારે કર્મચારી ઈપીએફઓ દ્વારા દરેક મહિને રોજગાર માટે જાહેર થનારા આંકડામાં નવા બનનારા સબ્સક્રાઈબર્સ, નોકરી છોડી દેવા, અથવા નોકરી બદલવા, અથવા તો રોજગારમાં લાંબા સમયબાદ ફરીથી જોડાનારા લોકોના આંકડાને આમાં સમાવિષ્ટ કરવામાં આવે છે.

પરંતુ નોકરી છોડવા અથવા તો ફરીથી જોઈન કરવામાં મોડુ કરનારા લોકોના આંકડાઓને વિશ્વાસપાત્ર નથી માનવામાં આવતા. પાછા આવીને ફરીથી નોકરી કરનારા લોકોના આંકડા તૈયાર કરવાની વ્યવસ્થા ખૂબ સારી નથી. નવી સિસ્ટમ બાદ વધારે મજબૂત આંકડાઓ સામે આવશે. ત્યારબાદ વિશુદ્ધ રોજગાર સંખ્યા જાહેર થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2018થી દર મહીને રોજગારનો આંકડો જાહેર કરવામાં આવે છે. આમાં સપ્ટેમ્બર 2017 સુધીના આંકડાઓ લેવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે જેના કારણે સ્પષ્ટ સ્થિતી નથી સામે આવતી, કે અર્થવ્યવસ્થામાં કેટલા નવા રોજગારનું સર્જન થયું છે.

આનું કારણ એ છે કે માત્ર એવા ફર્મ પ્રોવિડન્ડ ફંડના વર્તુળમાં આવે છે. જેમાં 20 કે તેનાથી વધારે કર્મચારી હોય છે. આ પ્રકારે ઘણા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં કામ કરનારા કર્મચારીઓના આંકડા બહાર રહી જાય છે. આ સીવાય, ઈપીએફઓના વર્તુળમાં શામિલ કરવા તે કર્મચારીઓ માટે પણ અનિવાર્ય નથી કે જેમનો પગાર 15,000 રુપિયા પ્રતિ માસ છે.

ઈપીએફઓમાં શામિલ થનારા લોકોની સંખ્યા વધવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે નોટબંધી બાદ અને જીએસટી અપનાવવાથી અર્થવ્યવસ્થાનું ઔપચારીકરણ વધ્યું છે અને શક્ય છે કે રોજગારના કેટલાક વધેલા આંકડાઓ આ કારણથી દેખાઈ રહ્યા હોય કે અનઔપચારિક નોકરીઓને ઔપચારિક નોકરીઓમાં બદલી દેવામાં આવ્યા છે. નવીનતમ આંકડાઓથી ખ્યાલ આવે છે, કે જાન્યુઆરી મહીનામાં ઈપીએફઓના સબ્સક્રાઈબર્સની સંખ્યા 17 મહિનાના ઉચ્ચતમ સ્તર પર 8,96,000 સુધી પહોંચી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]