માત્ર બે રાજ્યોમાંથી સરકારને મળ્યો 50 ટકા ડાયરેક્ટ ટેક્સ, જાણો વધુ વિગત

નવી દિલ્હીઃ  ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારને મળનારા કુલ ડાયરેક્ટ ટેક્સમાં 50 ટકા ભાગીદારી મહારાષ્ટ્ર અને દિલ્હીની છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સાથે કર્ણાટક અને તમિલનાડુની ભાગીદારીને જોડવામાં આવેતો તે 70 ટકા થઈ જાય છે. દેશમાં 30 રાજ્ય છે અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે કે અન્ય 30 ટકા જેટલો ડાયરેક્ટ ટેક્સ દેશના 32 અન્ય પ્રદેશોમાંથી પ્રાપ્ત થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત કે જે વ્યાપારી રાજ્ય કહેવાય છે તે ટેક્સ આપવામાં પાછળ છે.

ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર નાણાકિય વર્ષ 2016-17 માં કેન્દ્ર સરકારને ડાયરેક્ટ ટેક્સના રૂપમાં કુલ 849818.48 કરોડ રુપિયા પ્રાપ્ત થયા છે. આમાંથી સૌથી વધારે 314056 કરોડ રુપિયા મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયા છે. દિલ્હીથી ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે સરકારને 108882.50 કરોડ રુપિયા પ્રાપ્ત થયા છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કર્ણાટકનું યોગદાન 85920.98 રુપિયા રહ્યું છે તો તમિલનાડુએ ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે સરકારને 60077.95 કરોડ રુપિયા આપ્યા છે. ગુજરાત કે જે પોતાના વ્યાપાર માટે જાણીતું છે એવા ગુજરાતમાંથી નાણાકિય વર્ષ 2016-17 માં ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે કેન્દ્ર સરકારને 38808.27 કરોડ રુપિયા મળ્યા છે.

પશ્ચિમ બંગાળમાંથી 35175.89 કરોડ રુપિયાનો સરકારને ડાયરેક્ટ ટેક્સ મળ્યો છે તો મધ્ય પ્રદેશમાંથી સરકારને માત્ર 15768 કરોડ રુપિયાનો ડાયરેક્ટ ટેક્સ મળ્યો છે. જનસંખ્યાની દ્રષ્ટીએ દેશનું સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશ ગણાય છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી સરકારને માત્ર 29309.60 કરોડ રુપિયાનો ડાયરેક્ટ ટેક્સ પ્રાપ્ત થયો છે. તો સાથે જ બિહારમાંથી સરકારને 6519.42 કરોડ રુપિયા ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે મળ્યા છે.

ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાંકિય વર્ષ 2014-15 માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 695788.8 કરોડ રુપિયા રહ્યું હતું જે નાણાંકિય વર્ષ 2015-16માં વધીને 741722.60 કરોડ રુપિયા થયું હતું. તો નાણાંકિય વર્ષ 2016-17માં આ કલેક્શન 849818.48 કરોડ રુપિયાના સ્તર પર પહોંચી ગયું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]