નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અત્યારે એર ઈન્ડિયાને વેચવાની દિશામાં પગલા ભરવાનુ માંડી વાળ્યું છે કારણ કે આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે સરકાર જ એર ઈન્ડિયાના સંચાલન માટે જરુરી ફંડ આપશે.
ઉલ્લેખનીય છે કે સરકારે થોડા સમય પહેલાં એર ઈન્ડિયાની 76 ટકા જેટલી ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેને લેવામાં કોઈએ ખાસ રસ દાખવ્યો નહોતો. હકીકતમાં ત્રણ સપ્તાહ પહેલા એર ઈંડિયાના સ્ટેક સેલના ઓફર પર પણ કોઈ બોલી લાગી નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર એર ઈંડિયાને તેના દૈનિક સંચાલન સાથે વધુ કેટલાક વિમાનો ખરીદવા માટે ફંડની ફાળવણી કરવામાં આવશે.
એર ઈંડિયાનો કેટલોક ભાગ વેચવા પર રોક લગાવવા માટે ગઈકાલે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી દ્વારા બોલાવવામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત હતા.