ભાવ કાબૂમાં લેવા 2 લાખ ટન દાળ ખુલ્લા બજારમાં વેચવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ ડુંગળી બાદ સરકાર હવે તુવરદાળના વધતા ભાવોને લઈને સચેત થઈ ગઈ છે. સરકારે દાળના ભાવને નિયંત્રણમાં રાખવા માટે બજારમાં 2 લાખ ટન દાળ વેચવાનો નિર્ણય લીધો છે. સરકાર પોતાના સ્ટોકથી દાળ વેચશે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર અત્યારે સરકાર પાસે 39 લાખ ટન દાળનો સ્ટોક છે. આમાંથી 11.53 ટન દાળનો બફર સ્ટોક છે. તો 27.32 લાખ ટન દાળનો સ્ટોક નાફેડ પાસે છે.

સરકારે દાળની આયાતની 2 લાખ ટનની સીમાને 4 લાખ ટન કરવાનો પણ નિર્ણય લીધો છે. આ વર્ષે ભારત મોઝામ્બિકથી 1.75 લાખ ટન દાળ આયાત કરશે. સરકારે સંગ્રહખોરો અને સટ્ટાબાજો પર પણ બાજ નજર રાખેલી છે. ખાદ્ય વસ્તુઓ અને કૃષિ ઉપજ સાથે દાળની સ્થિતિની સમીક્ષા કરવા માટે 11 જૂનના રોજ કૃષિ સચિવ, ઉપભોક્તા મામલાના સચીવ અને ખાદ્ય અને વિતરણ સચીવ તેમ જ અન્ય વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ તમામ નિર્ણય લેવામાં આવ્યા છે.

મંત્રાલય અનુસાર તુવેર દાળના 2 લાખ ટન આયાત માટે ગત 4 જૂનના રોજ આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. મંત્રાલયના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે આયાત માટે પ્રાપ્ત આવેદનોને આગામી 10 દિવસની અંદર લાયસન્સ જાહેર કરી દેવામાં આવશે. તુવેર દાળની હોલસેલ કીંમત અને આસપાસના વિસ્તારોમાં 100 રુપિયા પ્રતિ કિલોગ્રામને પાર કરી ગઈ છે. આ વર્ષે તુવેર દાળના ઉત્પાદનમાં ગત વર્ષના મુકાબલે આશરે 35 ટકા જેટલો ઘટાડો થયો છે.

જો કે દાળ મિલર્સનું કહેવું છે કે આયાતની પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછા એક મહિનાનો સમય લાગી જશે. ત્યારબાદ જ દાળના ભાવમાં રાહત મળવાની શક્યતા છે. વર્ષ 2015માં દાળની રીટેલ પ્રાઈઝ 200 રુપિયા પ્રતિ કિલોગ્રામની પાર પહોંચ્યા હતાં. વ્યાપારીઓનું કહેવું છે કે દાળમાં તેજી ચાલી રહી છે અને અત્યારે આ તેજી ચાલુ જ રહેશે. અડદ દાળના ઉત્પાદનમાં પણ ગત વર્ષની તુલનામાં 15-20 ટકાનો ઘટાડો છે.