કપૂર પરિવારની માલિકીનો 70 વર્ષ જૂનો આર.કે સ્ટૂડિયો વેચાઈ ગયો…

મુંબઈ- કપૂર પરિવારની માલિકી ધરાવતો 70 વર્ષ જૂનો આરકે સ્ટૂડિયો (RK Studio) અંતે વેચાઇ ગયો છે. રીયલ્ટી ફર્મ ગોદરેજ પ્રોપર્ટીઝે શુક્રવારે સ્ટૂડિયોના અધિગ્રહણની જાહેરાત કરી. ગોદરેજ પ્રોપર્ટીએ કહ્યું કે, મુંબઈના ચેમ્બુરમાં 2.2 એકરમાં ફેલાયેલા આ સ્ટૂડિયોની જમીન પર હવે લગ્ઝુરિયસ ફ્લેટ અને રિટેલ સ્પેસ બનાવવામાં આવશે. ગોદરેજ પ્રોપર્ટીઝ ગોદરેજ ગ્રુપની સહયોગી કંપની છે.

ગોદરેજ પ્રોપર્ટી તરફથી આપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 2.2 એકરમાં ફેલાયેલા આરકે સ્ટૂડિયોમાં લગભગ 33 હજાર વર્ગમીટર વિસ્તારમાં આધુનિક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બનાવશે. કંપનીએ કેટલી રકમમાં આ સ્ટુડિયો ખરીદ્યો તેની જાણકારી આપી નથી.

ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન ફિરોજશાહ ગોદરેજે કહ્યું કે કંપનીએ ચેમ્બુર સ્થિત આ આઈકોનિક સાઈટ કંપનીની ડેવલપમેન્ટ પ્રોફાઈલને વધારશે. આ સાઈટ ભારતના મુખ્ય શહેરોમાં મુખ્ય સ્થાનો પર અમારી હાજરી નોંધાવવાની રણનીતિમાં મહત્વની ભૂમિકા ભજવશે.

રણધીર કપૂરે કહ્યું કે ચેમ્બુર સ્થિત આ સંપતિ મારા પરિવાર માટ ખુબ મહત્વપૂર્ણ રહી છે. કારણ કે આ જગ્યા પર ઘણાં દાયકા સુધી આર.કે.સ્ટુડિયોનું સંચાલન થયું છે. અમે આ સંપતિની નવી કહાની લખવા માટે ગોદરેજને પસંદ કરી છે.