અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશમાં રૂ. 5,500 કરોડનું મૂડીરોકાણ કરશે

લખનઉ – અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પાવર ટ્રાન્સમિશન અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 5,500 કરોડનું મૂડીરોકાણ કરવાનું છે, એમ ગ્રુપના ચેરમેન ગૌતમ અદામીએ આજે અહીં જણાવ્યું હતું.

અનેક યોજનાઓનાં શુભારંભ માટેના દ્વિતીય ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતાં અદાણીએ કહ્યું હતું કે 2018ના ફેબ્રુઆરીમાં યૂપી ઈન્વેસ્ટર સમિટ વખતે જ મેં મારી ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓની જાહેરાત કરી હતી.

અદાણીએ વધુમાં કહ્યું કે રાજ્યમાં બે પાવર ટ્રાન્સમિશન યોજનાઓ પરનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફૂડ પ્રોસેસિંગ સેગમેન્ટમાં અમે રાઈસ અને ફ્લોર મિલ્સ, તેમજ કૂકિંગ ઓઈલ રીફાઈનિંગ પ્લાન્ટ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ પાવર ટ્રાન્સમિશનમાં રૂ. 5,000 કરોડ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે, એમ અદાણીએ કહ્યું હતું.

અદાણી ગ્રુપ આ ઉપરાંત ડેટા સેન્ટર્સ અને ડીફેન્સ જેવા અન્ય ક્ષેત્રો ઉપર પણ તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ સેક્ટરોમાં પણ ઉત્તર પ્રદેશ રાજ્ય દેશના તમામ રાજ્યોમાં મોખરે રહેશે. મારું સપનું છે કે અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશમાં ડીફેન્સ કોરિડોરમાં વર્લ્ડ-ક્લાસ મેન્યૂફેક્ચરિંગ હબ બનાવે, એમ અદાણીએ કહ્યું.