નીતા અંબાણીઃ FSDL અંડર-17 વિમેન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરશે

મુંબઈ- ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ ભારતમાં અને ખાસ કરીને છોકરીઓ વચ્ચે ફૂટબોલની રમતની લોકપ્રિયતા વધારવા માટે બે મોટી પહેલોની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ અંડર-17 વિમેન્સ ટૂર્નામેન્ટ શરૂ કરશે અને વર્ષ 2019-20ની સિઝનની શરૂઆતમાં ચિલ્ડ્રન્સ લીગનું આયોજન કરશે.

ઇન્ડિયન સુપર લીગ કલ્બ ઑનર્સની મુંબઈમાં ગુરુવારે યોજાયેલી બેઠકને સંબોધન કરતાં અંબાણીએ કહ્યું હતું કે, “લાખો બાળકો વિવિધ રમતોમાં સામેલ થાય એવું મારું વિઝન છે. વર્ષોથી આઇએસએલ ક્લબ એકેડેમિક્સ, રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટ્સની પહેલો દ્વારા અમે ફૂટબોલને લોકપ્રિય બનાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે, પ્રતિભાઓને ઓળખી છે અને ભારતીય યુવાનોને વ્યાવસાયિક વાતાવરણમાં તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક આપી છે. અમારાં આરએફ યૂથ સ્પોર્ટ્સ અને આરએફ યંગ ચેમ્પ્સ પ્રોગ્રામ દ્વારા 9 મિલિયનથી વધારે બાળકોને અસર થઈ છે. ફિફા અંડર 17 વર્લ્ડ કપનું વર્ષ 2017માં આયોજન થવાથી યુવાનો વચ્ચે ફૂટબોલની લોકપ્રિયતા વધી છે. મને ખાતરી છે કે, ફિફા અંડર 17 વિમેન્સ વર્લ્ડ કપ 2020 આ સફરને વેગ આપશે.”

અંડર-17 વિમેન્સ ટૂર્નામેન્ટ માટે ચાર ટીમની ટૂર્નામેન્ટમાં 100થી વધારે મહિલાઓ સહભાગી થશે. ભારત ઓક્ટોબર, 2020માં ફિફા અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપનું આયોજન કરશે. અંડર-17 વિમેન્સ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ ભારતીય ટીમની પસંદગી માટે ખેલાડીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તક પ્રદાન કરવાનો છે. આ ટૂર્નામેન્ટ નવેમ્બરની મધ્યમમાં યોજાશે, જેનું જીવંત પ્રસાર સ્ટાર સ્પોર્ટ્સ, હોટસ્ટાર અને જિયો ટીવ પર થશે,

આ બેઠકમાં આઇએસએલ ચિલ્ડ્રન્સ લીગની જાહેરાત પણ થઈ હતી, જે દેશમાં ફૂટબોલની લોકપ્રિયતામાં વધારો કરશે. આઇએસએલ ચિલ્ડ્રન્સ લીગમાં આગામી 3 વર્ષમાં 12 રાજ્યોનાં 6,8, 10 અને 12 વર્ષની વય જૂથનાં 38,000થી વધારે બાળકો સામેલ થશે. પહેલા તબક્કામાં ચિલ્ડ્રન્સ લીગ પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય એમ 3 રાજ્યોનાં 15 જિલ્લાઓમાં શરૂ થશે અને આ દરેક જિલ્લાઓની એક લીગ ટીમ છે. વર્ષ 2021-22 સુધીમાં ચિલ્ડ્રન્સ લીગ 12 રાજ્યોનાં 40 જિલ્લાઓમાં યોજાશે, જેમાં 38,000થી વધારે બાળકો સહભાગી થશે.