પીએફના 8.65 ટકા વ્યાજ પર સંકટઃ નાણાં મંત્રાલયે માગ્યો ઈપીએફઓ પાસે જવાબ

નવી દિલ્હીઃ નોકરી કરનારા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્વપૂર્ણ છે. કારણકે ઈપીએફઓ દ્વારા નાણાકીય વર્ષ 2018-19 માટે નક્કી થયેલા વ્યાજદર, 8.65 ટકા પર અત્યારે સંકટના વાદળો ઘેરાયેલા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાં મંત્રાલયે 8.65 ટકા વ્યાજ આપવાના મામલે ઈપીએફઓ પાસેથી સ્પષ્ટતા માગી છે. નાણાં મંત્રાલયે પૂછ્યું છે કે આટલું વ્યાજદર આપવા માટે શું ઈપીએફઓ પાસે પર્યાપ્ત ફંડ છે? આપને જણાવી દઈએ કે ફાઈનાન્સ કંપની IL&FS અને તે જ પ્રકારના અન્ય જોખમ ભરેલા રોકાણોમાં ઘણા મોટા રોકાણકારોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.આ મામલે ઈપીએફઓના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે તેમની તમામ ગણતરીઓ સાચી છે. છેલ્લા 20 વર્ષથી વધારેના સમયથી જ આ જ પ્રકારની ગણતરી થતી રહી છે. જે પદ્ધતીનો ઉપયોગ કરીને વ્યાજદરની ગણના કરવામાં આવે છે, તે નવી નથી. નાણા મંત્રાલયે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે, જેનો જવાબ આપવામાં આવશે.

  • નાણા મંત્રાલયે પૂછ્યું છે કે શું ઈપીએફઓ પાસે પર્યાપ્ત સરપ્લસ રકમ છે? જેને ગત નાણાકિય વર્ષ માટે નક્કી વ્યાજદરની ચૂકવણી કરવામાં આવી શકે. ખાસ કરીને ત્યારે કે જ્યારે વિભિન્ન નાણાકીય કંપનીઓમાં કરવામાં આવેલા કેટલાક રોકાણમાં નુકસાન થવાની આશંકા છે.
  • નાણા મંત્રાલય દ્વારા શ્રમ સચિવને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે IL&FS અને તેના જેવા જોખમ ભર્યા રોકાણ મામલે જાણકારી માંગી છે.
  • નાણા મંત્રાલયના એક અધિકારી અનુસાર, ખોટની સ્થિતીમાં ઈપીએફઓ ગ્રાહકોને ચૂકવણીની જવાબદારી સરકાર પર હશે. ઈપીએફઓ ફંડ્સને લઈને વિશેષ સાવધાની રાખવી જરુરી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]