GST કલેક્શન વધે તો કોર્પોરેટ વ્યાજદર ઘટાડવાનું સરકારનું વચન: FICCI

નવી દિલ્હી- સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી) કલેક્શનમાં સુધારો થયા બાદ નાની-મોટી તમામ કંપનીઓ માટે કોર્પોરેટ કરના દરમાં ઘટાડો કરીને 25 ટકા કરવાનું વચન આપ્યું છે. ઉદ્યોગ મંડળ ફિક્કીના અધ્યક્ષ સંદીપ સોમાનીએ આ જાણકારી આપી હતી. તેમણે નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, જેટલી સાથે કરવેરા, રોજગાર નિર્માણ અને ઔદ્યોગિક ઉત્પાદન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

સોમાનીએ કહ્યું કે, નાણાંપ્રધાને ભરોસો આપ્યો કે, સમય સાથે જેવી રીતે જીએસટી કલેક્શન વધશે તો, તે આગામી થોડા વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્ર માટે વ્યાજના દરને તર્કસંગત બનાવશે. સરકારે 2015-16ના બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી 4 વર્ષમાં કોર્પોરેટ વ્યાજ દરને ધીમે ધીમે ઘટાડીને 30 ટકાથી 25 કરવામાં આવશે.

બજેટ 2017માં સરકારે એવી કંપનીઓ માટે કોર્પોરેટ વ્યાજ દરને ઘટાડીને 25 ટકા કર્યો હતો, જેમનો બિજનેસ નાણાંકીય વર્ષ 2015-16માં 50 કરોડ રૂપિયાથી ઓછો હતો. આ પગલાથી નાના અને મધ્યમ એકમોને ફાયદો મળ્યો હતો. સરકારે ત્યાર બાદ 2018-19ના બજેટમાં 250 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનારી કંપનીઓ માટે કોર્પોરેટ કરને ઘટાડીને 25 ટકા કરી દીધો. ત્યાર બાદ આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા અંદાજે 7 લાખ કંપનીઓમાંથી માત્ર 7000 કંપનીઓ જ 30 ટકા કરના દાયરામાં રહી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને તુર્કીને પસંદગીયુક્ત વ્યાપાર વ્યવસ્થા હેઠળ આપવામાં આવેલી છૂટને સમાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું કે, ભારત અને તુર્કી તેમના બજારો સુધી સમાન અને વાજબી પહોંચ પ્રદાન કરવાને લઈને અમેરિકાને આશ્વસ્ત કરવામાં અસફળ રહ્યાં છે.