વોટ્સએપ મેસેજિસમાં ત્રીજું બ્લૂ ટીક પણ દેખાશે? ના, આ ન્યુઝ ફેક છે

નવી દિલ્હીઃ ભારતમાં વોટ્સએપ પર ફેલાતા નકલી સમાચારો અને અફવાઓને રોકવા માટે સરકારના કહેવાથી દરેક મેસેજને વાંચવા માટે ત્રીજું બ્લૂ ટીકમાર્ક દેખાડતું ફીચર શરૂ કરવામાં આવશે એવા સમાચાર જ નકલી હોવાનું  જાણવા મળ્યું છે.

હાલમાં એક ન્યુઝ ફરી રહ્યાં છે, જેમાં લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે એવો દાવો કર્યો છે કે તેના ચેટ પ્લેટફોર્મ પર ત્રીજું બ્લૂ ટીકમાર્ક ઉમેરશે. અને આ નવું ટીકમાર્કવાળું ફીચર એ વાતની સાબિતી રહેશે કે એ મેસેજ કોઈ સરકારી પ્રતિનિધિ દ્વારા વાંચવામાં આવ્યા છે.

પરંતુ આ ન્યુઝ ફેક છે. હકીકત એ છે કે, વોટ્સએપ એક ‘ઍન્ડ ટુ ઍન્ડ એન્ક્રીપ્ટેડ સર્વિસ મેસેન્જર’ સેવા છે, જેમાં સેન્ડર અને રિસીવર વચ્ચેનું ચેટિંગ (વાતચીત) કોઈ થર્ડ પાર્ટી વાંચી નથી શકતી. તમને પણ જો આ વોટ્સએપ મેસેજ મળ્યો હોય તો હવે જાણી લેજો કે આ ન્યુઝ ફેક છે, નકલી છે.

વિશ્વમાં વોટ્સએપ ટેક્સ્ટ મેસેજીસ લોકો સુધી અત્યંત ઝડપથી પહોંચી જાય છે. મેસેજિંગ પ્લેટફોર્મ્સમાં આ એક વૈશ્વિક ક્રાંતિ છે. વોટ્સએપના એક મહિનાના 1.5 અબજ જેટલાં એક્ટિવ યુઝર છે.

વોટ્સએપના એક પ્રશ્નાવલિ પેજ ઉપર વોટ્સએપે જણાવ્યા મુજબ, ‘તમારા મેસેજીસને લોક રાખવામાં આવે છે. સિવાય કે તમે અને તમને મેસેજ મોકલનાર જ એ મેસેજીસ અનલોક કરીને વાંચી શકે છે. એમાં વધારાની સિક્યુરિટી પણ રાખવામાં આવી છે. જેના લીધે તમે જે મેસેજ મોકલો છો તે વોટ્સએપ આપમેળે લોક કરીને મૂકી દે છે. આ માટે તમારે કોઈ સેટિંગ્સમાં જવાની જરૂર નથી. આ મેસેજીસ, ફોટો, વીડિયો, વોઈસ મેસેજીસ ફક્ત તમે અને તમને મોકલનાર જ અનલોક કરી શકે છે. કોઈ ત્રીજું નહીં, વોટ્સએપ સુદ્ધાં નહીં.’ એ માટે વોટ્સએપનું કહેવું છે કે, ‘પ્રાઈવસી અને સિક્યુરિટી અમારા ડીએનએમાં છે. તમારી અંગત માહિતી કોઈ ખોટાં હાથમાં ન જાય એ વાતનું અમારા મન મહત્વ છે. અને એથી જ અમે ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રીપ્શન રાખ્યું છે.’

ફેક ન્યુઝના ઝડપી અને વધુ ફેલાવાને કારણે થતી ગંભીર અસરને વોટ્સએપે ધ્યાનમાં લીધી છે. અને એથી જ એણે એના ફોરવર્ડ કરેલાં મેસેજીસમાં હવે ‘ફોરવર્ડેડ’નું લેબલ લગાડવાનું શરૂ કરી દીધું છે. તેમજ ભારતીયો માટે એક નવા ફીચરની એનાઉન્સમેન્ટ કરી છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ કોઈ મેસેજ, વીડિયો કે ફોટો કોઈ ગ્રુપમાં એકસાથે ફક્ત પાંચ જ જણને ફોરવર્ડ કરી શકશે.