ફેસબુકને 2 કલાકમાં 168 કરોડ ડોલરનું નુકસાન

વોશિંગ્ટનઃ લાંબા સમયથી કોન્ટેન્ટ પોલિસીને લઈને વિવાદમાં ચાલી રહેલા ફેસબુકને મોટું આર્થિક નુકસાન થયું છે. ફેસબુકે જાણકારી આપી છે કે બીજા ત્રિમાસિક ગાળામાં સેલ અને યૂઝર ગ્રોથમાં ઘટાડો થયો છે. તો આ સાથે જ આ વર્ષે સારા પર્ફોર્મન્સની આશાઓ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજા અને ચોથા ત્રિમાસીક ગાળામાં ફેસબુકનો નફો ઓછો થઈ શકે છે. ફેસબુકના શેરમાં 24 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ ઝુકરબર્ગને 2 કલાકમાં 168 કરોડ ડોલરનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ અનુસાર ઝુકરબર્ગ છઠ્ઠા સ્થાન પર આવી ગયા છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં ઝુકરબર્ગને 137 કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે.

મહત્વનું છે કે ફેસબુકને ભાગ્યે જ આ પ્રકારનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આ પહેલા 2015માં ફેસબુકનું નુકસાન થયું હતું. ફેસબુકના ડેટા પ્રાઈવસી મામલે પર તપાસ અને ઝુકરબર્ગના યૂએસ કોંગ્રેસ સામે રજૂ થવાથી કંપની શાખમાં ઘટાડો થયો છે. આ ત્રિમાસીક ગાળામાં યૂરોપના જટિલ નિયમોની પણ અસર પડી છે. આના કારણે ફેસબુક પર આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

ત્યારે આ સમસ્યાઓને લઈને 2.23 અરબ યૂઝર્સ વાળી કંપનીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ડેટા લીકની માહિતી સામે આવવાથી ફેસબુકના વપરાશકર્તાઓમાં મોટો ઘટાડો થયો છે. જો કે મહત્વની વાત એ છે કે અત્યારે પણ ફેસબુકની દુનિયાભરના યૂઝર્સ પર મજબૂત પકડ છે. મોબાઈલ એડવર્ટાઈઝમેન્ટના મામલે પણ કંપની ખાસી આગળ છે.