દેશનું અર્થતંત્ર મજબૂત છે, FPI પરનો સરચાર્જ રદ, સરકારી બેન્કોને મદદઃ નિર્મલા સીતારામનની જાહેરાત

નવી દિલ્હી – દેશનું અર્થતંત્ર મંદીમાં સપડાઈ ગયું છે એવી વાતો વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે અમુક ઉત્સાહજનક જાહેરાતો કરી છે. અહીં બોલાવેલી પત્રકાર પરિષદમાં સીતારામને કહ્યું કે શેરબજારમાં કેપિટલ ગેન્સ પર લાદવામાં આવેલો સરચાર્જ સરકારે હટાવી લીધો છે. આ સરચાર્જ સરકારે ગત્ બજેટ વખતે જાહેર કર્યો હતો.

સીતારામનની આ જાહેરાતથી સુપર-રિચ એટલે કે વિદેશી ઈન્વેસ્ટરો ખુશ થશે. આ એન્હાન્સ્ડ સરચાર્જ ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ (FPI) પર લાદવામાં આવ્યો હતો.

દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સરકારે અમુક પગલાં લીધાં છે એમ પણ સીતારામને કહ્યું.

એમણે કહ્યું કે શેરબજારોમાં કેપિટલ ગેન્સ પર સરચાર્જ લેવામાં નહીં આવે. બજેટ-2019-20ની જાહેરાતો પૂર્વે જે સ્થિતિ હતી એ જ કાયમ રહેશે. આમ, એફપીઆઈને સરચાર્જમાંથી છૂટકારો મળી જશે. સરકાર વેલ્થ ક્રીએટર્સ (ઈન્વેસ્ટરો)નો આદર કરે છે અને ઉતાવળમાં એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી એમને નુકસાન જાય.

સીતારામને બીજી મહત્ત્વની જાહેરાત એ કરી કે સરકાર જાહેર ક્ષેત્રની બેન્કો માટે રૂ. 70 હજાર કરોડ પૂરા પાડશે.

2019માં ગ્લોબલ ગ્રોથ 3.2 ટકાથી નીચે રહેવાની ધારણા છે. આમ, વિશ્વમાં મંદીના આસાર જણાય છે. તે છતાં આપણો આર્થિક વિકાસ દર અમેરિકા અને ચીન કરતાં પણ સારો છે. અમેરિકા અને ચીનમાં મંદીની અસર છે. ભારત પર એની અસર પડી શકે છે, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂત છે. ભારતમાં વ્યાપાર કરવો આસાન થયો છે. અમે સતત એને આસાન બનાવી રહ્યાં છીએ. એ માટે તમામ મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

સીતારામને કહ્યું કે માઈક્રો, લઘુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગસાહસો (MSME)ને જીએસટી રીફંડ આપવાની જે અરજીઓ નાણાં મંત્રાલય પાસે પેન્ડિંગ પડી છે એનો આજથી 30 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. ભવિષ્યમાં દરેક રીફંડ 60 દિવસમાં આપી દેવામાં આવશે.

નાણાં પ્રધાને એમ પણ કહ્યું કે જીએસટી રીફંડ પ્રક્રિયામાં થઈ રહેલી હેરાનગતી અને એની સાથે સંકળાયેલી ખામીઓને જલદી દૂર કરવાના પ્રયાસોમાં સરકાર લાગી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]