PNB મહાકૌભાંડઃ ઈડીએ નીરવ મોદીના પિતા સહિત 4 લોકોને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળા મામલે ઈડીએ હીરા વ્યાપારી નીરવ મોદીના પિતા સહિત 4 લોકોને સમન્સ પાઠવ્યાં છે. નીરવ મોદીના પિતા દીપક મોદી સાથે આમાં તેના ભાઈ નિશલ, બહેન પૂર્વી મહેતા અને તેના પતિ મયંક મહેતાનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં રહેનારા મોદીના ભાગીદાર મિહિર ભણસાલીને પણ ઈડીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

અત્યારે નીરવ મોદીના પરિવારના તમામ લોકો દેશની બહાર છે અને તેમને ઈ-મેઈલના માધ્યમથી સમન્સ મોકલવામાં આવ્યું છે. નીરવની કંપનીઓ દ્વારા થયેલા ટ્રાંઝેક્શન મામલે પૂછપરછ કરવા માટે આ લોકોને સમન મોકલવામાં આવ્યું છે. અધિકારીઓને આ મામલે પૂરતી જાણકારી નથી કે નીરવના પરિવારના લોકો અત્યારે ક્યાં છે પરંતુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર માનવામાં આવી રહ્યું છે કે દીપક મોદી બેલ્જિયમમાં, નિશલ અને ભણસાલી અમેરિકામાં અને મહેતા અત્યારે હોન્ગકોન્ગમાં છે.


આ પહેલા ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીને સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર રહ્યાં ન હતાં. બંન્ને પીએનબીમાંથી ખોટા LOU  દ્વારા હજારો કરોડ રૂપિયાનો ગોટાળો કરવા મામલે આરોપી છે. સીબીઆઈએ આ સપ્તાહે મુંબઇ હાઈકોર્ટમાં આ બન્ને વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે. ઈડીએ આ બન્ને પાસેથી અત્યારસુધીમાં આશરે 3000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.