બેંકોને 8,000 કરોડનો ચૂનો લગાડનાર સાંડેસરાબંધુઓના પ્રત્યાર્પણ માટે ED કામે લાગ્યું

નવી દિલ્હી- બેંકોને 8,100 કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા 4 ગુજરાતી બિઝનેસમેનો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કાર્યવાહી શરુ કરી દીધી છે. આ ચારેય બિઝનેસમેન ઈટાલી અને નાઈજિરિયામાં છુપાયેલા છે. ઈડીએ આ લોકોને ભારત પરત લાવવા માટે ઈટાલીની સરકાર સાથે કાર્યવાહી તેજ કરી દીધી છે.

સોમવારે ઈડીએ દિલ્હીની એક અદાલતને જણાવ્યું કે, સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં નિતીન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશકુમાર નરેન્દ્ર પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું કે, આ તમામ ધંધાર્થીઓ ઈટાલી અને નાઈજીરિયામાં છુપાઈને બેઠાં છે, તેથી આ મામલે વધુ તપાસ માટે આ લોકોનું પ્રત્યાર્પણ ખૂબ જ જરૂરી છે.

ઈડીના અનુરોધ પર કોર્ટે સંદેશરા બંધુઓ સામે કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. હવે ઈડીએ નાઈજિરિયા અને ઈટાલીની સરકાર પાસે આ લોકોના પ્રત્યર્પણની કામગીરી તેજ કરી દીધી છે.

ઈડીએ તમામ આરોપીઓ વિરુદ્ધ બેંક ફ્રોડ મામલે કેસ દાખલ કર્યો છે. ચાલુ મહિનાની શરુઆતમાં જ કોર્ટે ચારેય કારોબારીઓ સામે ગેરજમાનતી વોરંટ ઈશ્યુ કર્યાં હતાં.

 આ પહેલા સપ્ટેમ્બર 2018માં સીબીઆઈએ સાંડેસરાબંધુઓ સામે 5700 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ દાખલ કર્યો હતો. એ સમયે ઈડીએ કહ્યું હતું કે, 2004-12માં સાંડેસરાબંધુઓએ અલગ અલગ બેંકોમાંથી 5 હજાર કરોડથી વધુની લોન લીધી છે. આ મામલે તમામ આરોપીઓ સામે ઓગસ્ટ 2017માં લૂકઆઉટ સરક્યૂલર પણ જાહેર કરવામાં આવ્યો હતો.