સપ્ટેમ્બરમાં UPI મારફતે ઓનલાઈન પેમેન્ટમાં થયો 30 ટકાનો વધારો

નવી દિલ્હીઃ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા મંથલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં સપ્ટેમ્બર મહિનામાં માસિક સરખામણીએ 30 ટકાનો વધારો નોંધાયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં રૂ.58,835 કરોડની વેલ્યૂના 40.58 કરોડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ થયા છે.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની વેલ્યૂમાં માસિક ધોરણે 30 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં રૂ.54,212 કરોડની મૂલ્યના કુલ 31.20 કરોડ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. સરકાર દ્વારા સમર્પિત ભીમ યુપીઆઇ મારફતે સપ્ટેમ્બરમાં રૂ.7064.86 કરોડના મૂલ્યના કુલ 1.63 કરોડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે તેની અગાઉના ઓગસ્ટ મહિનામાં રૂ.6872.57 કરોડની વેલ્યૂના 1.65 કરોડ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. એનપીસીઆઇના આંકડાઓ અનુસાર યુપીઆઇમાં હવે 120થી વધારે બેન્ક જોડાઇ ગઇ છે. એનપીસીઆઇ શરૂ યુપીઆઇ લાભાર્થીને બેન્ક ખાતાની માહિતી આપ્યા વગર બે બેન્કો એકાઉન્ટર વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવાની સરળ સુવિધા આપે છે.

ઓગસ્ટના અંત સુધી 3.16 કરોડથી વધારે ભીમ એપ એન્ડ્રોઇડ અને લગભગ 16.3 લાખ આઇઓએસ પ્લેટફોર્મ ઉપર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં અલીબાબા અને સોફ્ટબેન્ક સમર્થિત પેટીએમ એ દાવો કર્યો છે કે, સપ્ટેમ્બરમાં તેણે 13.7 કરોડથી વધારે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા છે. પેટીએમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દીપક એબોટે કહ્યું કે, આપણો દેશ દરરોજનના નાણાંકીય વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટને અપનાવી રહ્યું છે. પેટીએમ દ્વારા ગ્રાહકો મોબાઇલ રિચાર્જ, ઇલેક્ટ્રિસિટી બીલ પેમેન્ટ જેવી વિવિધ સર્વિસ માટેના બીલનું પેમેન્ટ કરી શકે છે.