બદલાયેલા મોસમના મિજાજે ખેતીની ઉપજને મૂકી ખતરામાં

0
760

નવી દિલ્હી- ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ ગઈકાલથી બદલાયો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગઈકાલે કરા પડ્યા બાદ હવે વાદળોએ યૂપી અને બિહાર તરફનો રસ્તો પકડ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત ઝારખંડ અને પશ્ચિમ બંગાળના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. મોસમના આ બદલાયેલા મિજાજને કારણે ઠંડીમાં વધારો થયો છે.

ખરાબ ઋતુનો માર ખેડૂતોએ સહન કરવો પડી રહ્યો છે. અલબત્ત, જ્યાં માત્ર વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને ફાયદો થવાની ધારણા છે. પરંતુ જે વિસ્તારોમાં કરા પડયા છે ત્યાંના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પંજાબમાં ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન થયું છે. બટાટા અને કોબીઝ જેવા શાકભાજીના પાકને પણ વરસાદને કારણે મોટુ નુકસાન થયું છે. આ ઉપરાંત ચંદગઢ,કપૂરથલા અને માનસા જેવા ડઝનો વિસ્તારોમાં ગઈકાલે વરસાદ અને કરા પડવાને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, પંજાબ સરકારે બર્ફવર્ષા (કરા) અને વરસાદના કારણે પાકને થયેલા નુકસાનનું આંકલન કરવાનો આદેશ આપ્યો છે. અને આ અંગે તમામ જિલ્લાઓને તાત્કાલિક રિપોર્ટ સોંપવા કહેવામાં આવ્યું છે.

તો બીજી તરફ ખાંડની નિકાસની સંભાવના શોધવામાં સરકારને સફળતા મળી છે. મલેશિયાએ 44 હજાર ટન ખાંડની ખરીદવા પર સહમતિ દર્શાવી છે. અત્યાર સુધીમાં સરકારે 15 લાખ ટન ખાંડની નિકાસ કરવા  અંગે કરાર કર્યાં છે.