પાવડરથી કેન્સરનો મામલોઃ આ 2 કંપનીઓની પ્રોડક્ટની તપાસ

નવી દિલ્હીઃ જોન્સન એન્ડ જોન્સનના ટેલકમ પાવડરમાં કેન્સરકારક તત્વ મળી આવ્યા બાદ ઈન્ફન્ટ કેર પ્રોડક્ટ બનાવનારી અન્ય કંપનીઓ નિયામકીય તપાસના વર્તુળમાં છે. આમાં હિમાલયા અને ચિક્કો જેવી કંપનીઓ સમાવિષ્ટ છે. ઔષધિ નિયામક નિયમોના પાલન અને સુરક્ષાની તપાસ માટે અલગ-અલગ કંપનીઓના ટેલકમ પાવડર, સાબુ અને અન્ય બેબી પ્રોડક્ટ્સના 200થી વધારે નમૂના એકત્ર કર્યા છે. અધિકારિક સૂત્રોએ આ માહિતી આપી છે.

એક અધિકારીએ જણાવ્યું કે તપાસનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે બજારમાં ઉપ્લબ્ધ તમામ ટેલકમ પાવડર સુરક્ષિત હોય અને તેમાં એસ્બેસ્ટસની માત્રા ન હોય.

દેશની સર્વોચ્ચ ઔષધિ નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશને ટેલકમ પાવડરના 150 નમૂના અને ઈન્ફ્રન્ટ કેર પ્રોડક્ટ્સના 50 અન્ય નમૂનાઓ એકત્ર કર્યા છે જેમાં સાબુ, શેમ્પૂ, ક્રીમ તેમજ લોશનનો સમાવેશ થાય છે. નિયમનસંસ્થાએ આ ઉત્પાદનોને બનાવવામાં ઉપયોગ થનારા 19 નમૂનાઓ એકત્ર કર્યા છે જેમાં ટેલકમ પણ સમાવિષ્ટ છે. તમામ નમૂનાઓ કોસ્મેટિક્સની તપાસમાં વિશેષજ્ઞ સેન્ટ્રલ ટેસ્ટિંગ લેબોરેટરી પાસે મોકલવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે માત્ર જોનસન એન્ડ જોનસન જ નહી પરંતુ ભારતીય બજારમાં ઉપ્લબ્ધ તમામ બેબી પ્રોડક્ટ્સ સુરક્ષિત અને અસ્બેસ્ટોસ ફ્રી હોય. સાઈટ ઈન્સ્પેક્શન દરમિયાન જોનસન એન્ડ જોનસનની ફેક્ટરીથી નમૂના એકત્ર કર્યા બાદ અમે બેબી કેર પ્રોડક્ટ્સના અન્ય બ્રાંડના નમૂના લેવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તપાસ રિપોર્ટ આવતા 15 દિવસની અંદર આવવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઔષધિ નિયામકે જોનસન એન્ડ જોનસનની ફેક્ટરીમાં રેડ કરીને તૈયાર ઉત્પાદન અને કાચા ઉત્પાદનોના નમૂનાને એકત્ર કર્યા હતા. નિયામકે આ પગલુ અમેરિકી મીડિયામાં આવેલા સમાચારોના આધાર પર ઉઠાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જોનસન એન્ડ જોનસન પાવડરમાં કથિત રીતે કેન્સર કારક એસ્બેસ્ટસ છે અને કંપનીને આ વાત 1971થી જ ખબર હતી.