ડાયરેક્ટ ટેક્સ કોડ: સામાન્ય કરદાતાઓ અને કોર્પોરેટને રાહત આપવાની ભલામણ

નવી દિલ્હી- ડાયરેક્ટ ટેક્સમાં સુધારાને લઈને બનેલી ટાસ્ક ફોર્સે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણને પોતાનો રિપોર્ટ સોંપી દીધો. ટાસ્ક ફોર્સે સામાન્ય માણસ માટે ઈનકમ ટેકસના દર અને સ્લેબમાં મોટા ફેરફારની ભલામણ કરી છે તો બીજી તરફ કોર્પોરેટ માટે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (ડીડીટી) અને મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ને પણ સંપૂર્ણ નાબૂદ કરવાની ભલામણ કરી છે.

ટાસ્ક ફોર્સનું માનવું છે કે, વર્તમાન ઈનકમ ટેક્સ છૂટ, તેના દરો અને સ્લેબ વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ નથી. વાર્ષિક 55 લાખથી ઓછી આવક વાળા ટેક્સપેયર્સને મોટી રાહત આપવામાં આવી શકે છે. ટાસ્કફોર્સના રિપોર્ટને ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આ સાથે સામાન્ય લોકોની સાથે નિષ્ણાંતોના પણ અભિપ્રાય લેવામાં આવશે. સમિતિએ તેનો અહેવાલ નાણાં મંત્રાલયને આપ્યો છે. સમિતિની આ ભલામણ પર નાણાં મંત્રાલય દ્વારા શું નિર્ણય લેવામાં આવશે, તે આગામી સમયમાં જાણવા મળશે. સમિતિએ આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. તે જ સમયે, તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવાની ભલામણ કરવામાં આવે છે.

ટાસ્ક ફોર્સના પ્રમુખ સીબીડીટીના સભ્ય અખિલેશ રંજન છે. 21 મહિનામાં કુલ 89 બેઠકો પછી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ડાયરેક્ટ ટેક્સ કોડ પરની કમિટીએ ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. સમિતિએ તેનો અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણને આપ્યો હતો. એટલું જ નહીં સમિતિએ વેરા વસૂલાતની પ્રક્રિયાને સરળ બનાવવા સૂચન પણ કર્યું છે.

નાણાં મંત્રાલયે એક સત્તાવાર ટ્વિટ દ્વારા કહ્યું કે તેણે નવા સીધા કરવેરા કાયદાના મુસદ્દા માટે રચાયેલી સમિતિના કન્વીનર અખિલેશ રંજન પાસેથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પોતાનો અહેવાલ આપ્યો છે. હવે નાણાં મંત્રાલય સમિતિની ભલામણો પર અંતિમ નિર્ણય લેશે. નવેમ્બર 2017માં સીબીડીટીના પૂર્વ સભ્ય અરવિંદ મોદીની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિનું કાર્ય આવકવેરા કાયદાની સમીક્ષા અને નવા ડાયરેક્ટ ટેક્સ કોડનો ઉકેલ લાવવાનું હતું.