પગાર નહીં ચૂકવાય તો 1 એપ્રિલથી હડતાળઃ જેટ એરવેઝના ડોમેસ્ટિક પાઈલટ્સની ધમકી

નવી દિલ્હી – ડોમેસ્ટિક પાઈલટ્સના કેન્દ્રીય સંગઠને આજે ધમકી ઉચ્ચારી છે કે 31 માર્ચ સુધીમાં જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવાની નક્કર યોજનાની જાહેરાત નહીં કરાય અને એમનો ચડી ગયેલો પગાર ચૂકવવામાં નહીં આવે તો 1 એપ્રિલથી તેઓ ફ્લાઈટ્સ ઉડાડવાનું બંધ કરી દેશે.

જેટ એરવેઝના ડોમેસ્ટિક પાઈલટ્સના રાષ્ટ્રીય સંગઠનની આજે વાર્ષિક બેઠક મળી હતી, જે 90 મિનિટ સુધી ચાલી હતી અને એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંગઠનમાં 1000 ડોમેસ્ટિક પાઈલટ્સ સભ્યો છે. નેશનલ એવિએટર્સ ગિલ્ડે જાહેરાત કરી છે કે જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવાની પ્રક્રિયા અંગે જો ઉચિત સ્પષ્ટતા કરવામાં નહીં આવે અને ચડી ગયેલો પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો અમે 1 એપ્રિલથી ફ્લાઈટ્સ ઉડાડવાનું બંધ કરી દઈશું.

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન કંપની જેટ એરવેઝ હાલ ગંભીર આર્થિક ભીંસમાં સપડાઈ છે. એ ધડાધડ એની ફ્લાઈટ્સ રદ કરી રહી છે. એણે તેના કાફલાના મોટા ભાગના વિમાનોનું ઉડ્ડયન કામચલાઉ સ્થગિત કરી દીધું છે. આને કારણે દેશભરમાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. દેશમાં મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રની રેગ્યુલેટર એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આજે જેટ એરવેઝના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને એમને જણાવ્યું કે તેઓ પ્રવાસીઓને પડતી તકલીફો પર તાત્કાલિક રીતે ધ્યાન આપે.

ડીજીસીએ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે એણે જેટ એરવેઝને સૂચના આપી છે કે તે જરૂરી નિયમોનું પાલન કરવા પર તાત્કાલિક ધ્યાન આપે જેમ કે, પ્રવાસીઓને સમયસર જાણકારી આપે, વળતર આપે, રીફંડ આપે અને જ્યાં જરૂર પડે ત્યાં વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરે.

આ તમામ જાણકારીની જેટ એરવેઝે ડીજીસીએને નિયમિત રીતે કરતા રહેવું એવું પણ એને જણાવી દેવામાં આવ્યું છે.

દરમિયાન, એરક્રાફ્ટ એન્જિનિયર્સ યુનિયને એવી ધમકી આપી છે કે જો જેટ એરવેઝની ફ્લાઈટ્સની સુરક્ષા જોખમમાં છે, કારણ કે કંપનીએ એના કર્મચારીઓને 3 મહિનાથી પગાર ચૂકવ્યો નથી.

જેટ એરવેઝ દ્વારા મોટા પાયે ફ્લાઈટ્સ રદ કરાઈ રહી હોવાથી એના અધિકારીઓ સાથે તાકીદે બેઠક કરવાનો કેન્દ્રીય એવિએશન પ્રધાન સુરેશ પ્રભુએ એમના મંત્રાલયના સચિવને આદેશ આપ્યા બાદ આજે બેઠક યોજાઈ હતી.

જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ

જેટ એરવેઝે હાલ એના કાફલાના 41 વિમાનો જ ઉડ્ડયનમાં રાખ્યા છે. આ સંખ્યા એના કુલ કાફલાનો માત્ર 34 ટકા જ હિસ્સો છે. આ વિમાનો દ્વારા તે 603 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને 382 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. પરંતુ આગામી અઠવાડિયાઓમાં આમાં વધુ કાપ મૂકાય એવી ધારણા છે.

જેટને બીજી એ સૂચના આપવામાં આવી છે કે જે પાઈલટ, કેબિન ક્રૂ સભ્યોએ વધુપડતા કામથી માનસિક તાણની ફરિયાદ કરી હોય એમને કામમાં વારાફરતી રાખવા. વધુમાં, આ સ્ટાફે ફરજિયાત તાલીમ લીધી હોવી જોઈએ.

ડીજીસીએ દ્વારા વધુમાં જણાવાયું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આ મહિનાના અંતે યોગ્ય પગલાં લેશે.

httpss://twitter.com/sureshpprabhu/status/1107895331776163841