ડેબિટ કાર્ડ બદલવા બેંકોમાં લાગી લાંબી લાઈનો, આ છે મામલો…

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ 1 જાન્યુઆરી 2019થી રુપે, માસ્ટરકાર્ડ અને વિઝા (EMV) ચિપ ધરાવતા તથા પિન આધારિત ડેબિટ અથવા ક્રેડિટકાર્ડ જ માન્ય ગણાશે. જેથી બેંકો પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બદલાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. રીઝર્વ બેંકો દ્વારા ક્રેડિટ અને ડેબિટકાર્ડના દુરુપયોગને અટકાવવા આ પગલું લેવાયું છે. જોકે, જૂના કાર્ડ બદલી આપવામાં બેંકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ફક્ત 50-70 ટકા જ મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડ બદલી શકાયાં છે. 31 ડિસેમ્બર સુધી જ જૂના ટેગ ધરાવતા કાર્ડ માન્ય છે પરંતુ ત્યાર પછી મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડ કાર્યરત રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ કરાયું નથી.

આંધ્ર બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો રિઝર્વ બેંક દ્વારા ડેડલાઇન લંબાવવામાં નહીં આવે તો બેંકો પોતાને આ કામગીરીથી અળગી કરી લેશે. બેંકો ગ્રાહકોને બેંક ખાતેદારોને જૂના કાર્ડ બદલીને નવા આપવાની કામગીરીમાંથી પીછેહટ કરી લેશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછું એકવાર મેગ્નેટિક સ્ટ્રિપકાર્ડ વાપરનાર ગ્રાહકોને પહેલા ચરણમાં નવા કાર્ડ આપી દેવાયાં છે.

રીઝર્વ બેંકના આદેશ અનુસાર ગ્રાહકોને નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપવા એસબીઆઇ સિવાયની અન્ય બેંકો નાણાં ઉઘરાવી રહી છે. એટલે ગ્રાહકોને બેવડો માર સહન કરવા પડી રહ્યો છે. એક તો નવું કાર્ડ મેળવવા ફરીવાર લાઇનોમાં લાગવાનો વારો આવ્યો છે, અને તે ઉપરાંત તેના માટે ફી પણ ચૂકવવી પડે છે.