તમારું ખાતું આ બેંકોમાં છે તો આ રહી તમારા ફાયદાની વાત…

નવી દિલ્હી- વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડા (BOB)માં મર્જર થવાની સાથે જે બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઈ છે. દેશમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકમાં એસબીઆઈ પ્રથમ ક્રમ પર છે, જ્યારે બીજા ક્રમે ખાનગીક્ષેત્રની એચડીએફસી બેંક છે, અને હવે આ યાદીમાં ત્રીજા ક્રમે બેંક ઓફ બરોડા આવે છે.

બેંક ઓફ બરોડાની બેલેન્સ શીટ રૂ.15 લાખ કરોડથી વધુની થઈ ગઈ છે, જેની ડિપોઝિટ 8.75 લાખ કરોડ અને એડવાન્સ (ઋણ) 6.25 લાખ રૂપિયાનું છે. કુલ મળીને બેંક ઓફ બરોડા પાસે 12 કરોડ ગ્રાહકો, 85,000 કર્મચારી, 9500થી વધુ શાખોઓ અને 13,400 એટીએમ થઈ ગયા છે. આ મર્જરની સાથે ભારતમાં સરકારી બેંકોની સંખ્યા ધટીને 18 થઈ ગઈ છે.

સૌથી મહત્વની વાત એ છે કે, ત્રણેય બેંકોના મર્જરની ગ્રાહકો પર શું અસર પડશે. ગ્રાહકોને મર્જરથી ફાયદો થશે કે, નુકસાન એ જાણવું જરૂરી છે.

દેના બેંકના ગ્રાહકોને તાત્કાલિક ફાયદો

વિજયા બેંકના ગ્રાહકોની વાત કરીએ તો, આ બેંકના ગ્રાહકોને હવેથી તાત્કાલિક લોન મળવાની શરુ થઈ જશે. છેલ્લા ઘણા મહિનાઓથી દેના બેંક આરબીઆઈના પ્રોપ્ટ કરેક્ટિવ એક્શન હેઠળ હતી, જેના કારણે વિજયા બેંકના ગ્રાહકોને લોન મળી શકતી નહતી.

વૈશ્વિક ઉપસ્થિતિઓનો ફાયદો

હવે દેના બેંક અને વિજય બેંક બંન્ને બેંકોના ગ્રાહકોને BOBના વૈશ્વિક સ્તર પર 101 કાર્યાલયોની ઉપસ્થિતિનો લાભ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, કોઈ એક બેંકની કોઈ વિશેષ યોજનાનો લાભ હવે અન્ય બે બેંકોના ગ્રાહકો પણ ઉઠાવી શકશે. દા.ત. જોઈએ તો, બેંક ઓફ બરોડા અને દેના બેંકના ગ્રાહકો હવે પ્લાન્ટેશન ફાયનાન્સિંગ અને એસઆરટીઓ ફંડિંગ જેવી વિજયા બેંકની એક્સક્લૂસિવ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે.

પ્રોડક્ટની રેન્જમાં વધારો થશે.

ત્રણેય બેંકો પાસે હવે પ્રોડક્ટની ખુબજ વિશાળ રેન્જ થઈ ગઈ છે. બેંક ઓફ બરોડાના સીઈઓ પી.એસ.અજયકુમારે કહ્યું કે, ટેક્નોલોજીમાં કરેલુ મોટુ રોકાણ તેમજ એનાલિટિક્સ એન્ડ એઆઈ અને ટેક્નોલોજીમાં સેન્ટર ઓફ એક્સીલેન્સના કસ્ટમર બેઝને મોટો લાભ થવા જઈ રહ્યો છે.

શેરધારકોને પણ રહેશે ફાયદામાં…

સમજૂતી મુજબ, વિજયા બેંકના શેરધારકોને 1000 શેરના બદલામાં બેંક ઓફ બરોડાના 402 શેર મળી રહ્યાં છે. તો બીજી તરફ દેના બેંકના શેરધારકોને 1000 શેરની સામે બેંક ઓફ બરોડાના 110 શેર મળી રહ્યાં છે. નિષ્ણાતોનું માનવુ છે કે, આ મર્જરને કારણે કાર્યક્ષમતા વધશે જેથી ગ્રાહક સેવા મજબૂત બનાવવામાં મદદ મળશે. આ ગ્રાહકો તેમ જ બેંકો બંન્ને માટે ફાયદાનો સોદો છે.