બજેટની નિરાશાથી શેરબજારના સેન્સેક્સમાં 839 પોઈન્ટનો કડાકો

અમદાવાદ-ગઇકાલે રજૂ થયેલું બજેટ માર્કેટને હજુ પણ હજમ ન થયું હોય તેમ આજે પણ શેરબજારમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે. દરમિયાન ક્રેડિટ એજન્સી ફિંચે જણાવ્યું છે કે સરકાર પર ભારે દેવાંના કારણે ભારતના રેટિંગમાં સુધારો અટકી ગયો છે.

ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 839.91 ગબડી 35,066.75 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 256.30 તૂટી 10,760.60 બંધ થયો હતો.

બજેટ પછી સતત બીજા દિવસે શેરબજાર ગબડીને આવ્યું છે. શેરબજારમાં આજે બોલેલા કડાકાને પગલે રોકાણકારોના રૂપિયા 4,57,615 કરોડ રૂપિયા ડુબી ગયા છે. એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4,57,615 કરોડનું ધોવાણ થયું છે. પહેલી ફેબ્રુઆરીએ બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.1,53,13,033 કરોડ હતું, જે આજે ઘટીને રૂ.1,48,55,418 કરોડ રૂપિયા થઈ ગયું છે.

શેરબજારમાં આજે બજેટની નિરાશા દેખાઈ છે. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી, પરિણામે માક્ટે ખુલતાની સાથે જ સેન્સેક્સ 300 પોઈન્ટ ગબડી પડ્યો હતો. નાણાંપ્રધાન અરુણ જેટલીએ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકા અને મ્યુચ્યુઅલ ફંડ પર 10 ટકા ટેક્સ લાદ્યો છે, જેથી શેરબજાર નિરાશ થયું છે, અને શેરોમાં રોકાણ વધે તેવા પગલા લેવાને બદલે જેટલીએ વધુ ટેક્સ નાંખીને બોજો વધાર્યો છે. આથી શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી છે. આમ પણ બજેટ ગરીબ અને ગામડાનું બજેટ છે. મૂડીબજારને કે કરદાતાને કોઈ લાભકરતા નથી, જેથી શેરબજારના દલાલો અને એફઆઈઆઈ સહિત સ્થાનિક નાણા સંસ્થાઓ નારાજ થયા છે. વિદેશી રોકાણ આકર્ષવાની વાત કરતી સરકાર સ્ટોક માર્કેટમાં રોકાણ પર ટેક્સ નાખ્યો છે, જેથી શેરબજારમાં જોરદાર વેચવાલી ફરી વળી છે.

  • હેવીવેઈટ શેરોમાં એચડીએફસી, ઓએનજીસી, મારુતિ, એચડીએફસી બેંક, એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચયુએલમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
  • આજે એશિયાઈ સ્ટોક માર્કેટ પણ ગબડ્યા હતા.
  • સરકારે 2018-19માં ફિસ્કલ ડેફિસિટ 3.5 ટકા રહેવાનું લક્ષ્ય રજૂ કર્યું છે, જે વધારે છે. જો ફિસ્કલ ડેફિસીટ 3.2 ટકા રહેશે તો માર્કેટ પોઝિટિવ થઈ શકે છે.
  • ગુરુવારે એફઆઈઆઈએ રૂ.1,099 કરોડની કુલ ચોખ્ખી ખરીદી કરી હતી, અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.358 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • આજે તમામ સેકટરના શેરોમાં કડાકો બોલી ગયો હતો.
  • રોકડાના શેરોમાં પણ ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 696 પોઈન્ટ ગબડ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 869 પોઈન્ટ તૂટ્યો હતો

આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઈનાન્સ 5.81 ટકા તૂટી રૂપિયા 1628.90 બંધ રહ્યો, ટાટા પાવર 5.46 ટકા તૂટી રૂ.84.80, બજાજ ઓટો 5.03 ટકા ગબડી રૂ.3241.30, અલ્ટ્રાટેક સીમેન્ટ 4.83 ટકા ગગડી રૂ.4,179.45 અને એક્સિસ બેંક 4.71 ટકા તૂટી 564.90 બંધ રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]