મહત્વના 8 સેક્ટરમાં સુસ્તી, જાન્યુઆરીમાં 1.8 ટકા રહ્યો ગ્રોથ

નવી દિલ્હી: વર્ષ 2018ના અંતે દેશના આઠ સેક્ટરનો વૃદ્ધિદર 18 માસના તળીયે પહોંચ્યા બાદ નવા કેલેન્ડર વર્ષમાં સામાન્ય રિકવરીની અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ, જાન્યુઆરી 2019માં દેશના મહત્વના આઠ સેક્ટરનો વૃદ્ધિદર 1.8 ટકાના દરે રહ્યો છે, જાન્યુઆરી, 2018માં આઠ ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો ગ્રોથ 6.2 ટકા રહ્યો હતો. સેક્ટર પ્રમાણે જોઈએ તો સ્ટીલ આઉટપુટ 13.2 ટકાના વૃદ્ધિ દરની સામે ગત મહિને સ્ટીલ સેક્ટરમાં માત્ર 8.2 ટકાનો જ સુધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોલ, ક્રૂડ ઓઈલ, સ્ટીલ, પેટ્રો રિફાઈનિંગ, ફર્ટિલાઈઝર,  વીજ અને નેચરલ ગેસ અર્થવ્યવસ્થા માટે મુખ્ય ક્ષેત્ર માનવામાં આવે છે. જેને કોર સેક્ટર કહેવામાં આવે છે આ આઠ સેક્ટરમાં વૃદ્ધિ દેશની અર્થવ્યસ્તાની સ્થિતિ દર્શાવે છે.

ક્રૂડ ઓઈલ આઉટપુટ ગ્રોથ ગત મહિને 4.3 ટકા રહ્યો છે. કુદરતી ગેસના આઉટપુટમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. માસિક દ્રષ્ટિએ તે 4.2 ટકાથી વધીને 6.2 ટકા રહ્યું છે. સરકારી આંકડા અનુસાર પેટ્રોલિયમ રિફાઈનરી પ્રોડ્કટ આઉટપુટ 4.8 ટકાની સામે 2.6 ટકા રહ્યો છે. કોલ અને સિમેન્ટ સેક્ટરનો ગ્રોથ અનુક્રમે 1.7 ટકા અને 11 ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉ 3.8 ટકા અને 19.6 ટકા હતો.

નબળા કોર સેક્ટરના ડેટાની અસર જાન્યુઆરીના ઔદ્યોગિક ઉત્પાદન(IIP) પર પણ પડશે કારણકે આ આઠ સેક્ટર દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 41 ટકાનો ભાગ ધરાવે છે. જોકે ચાલુ નાણાંકીય વર્ષના 10 મહિનાની વાત કરીએ તો એપ્રિલ-જાન્યુઆરી 2018-19નો આઠ સેક્ટરનો વૃદ્ધિદર 4.5 ટકા હતો,જે અગાઉના વર્ષના કરતા 10 ટકાની આસપાસ વધુ છે.