ટ્રેડવોરની માઠી અસરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષના નીચલા સ્તરે પહોંચી

નવી દિલ્હીઃ ચીનનો આર્થિક વિકાસ દર વર્ષ 2018માં 6.6 ટકા રહ્યો જે 28 વર્ષના નીચલા સ્તર પર છે. દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની આ સ્થિતિ વર્તમાન સમયમાં અમેરિકા સાથે ટ્રેડ વોર અને નિર્યાતમાં મોટા ઘટાડાના કારણે થઈ છે.

ડિસેમ્બરના ત્રિમાસીક ગાળામાં અર્થવ્યવસ્થાની ગતિ 6.4 ટકા રહી જે ગત વર્ષની સમાન અવધિમાં 6.5 ટકા તુલનામાં ઓછી છે. આંકડા અનુમાનો અનુસાર છે પરંતુ આ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસમાં આવેલી સુસ્તીને રેખાંકિત કરે છે.

ડિસેમ્બરમાં નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સે આજે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરથી વધી. એનબીએસના આંકડાઓ અનુસાર વર્ષ 2018માં આર્થિક વિકાસ દર વર્ષ 2017ની 6.8 ટકાની તુલનામાં ઓછો છે અને તે વર્ષ 1990 બાદ સૌથી ઓછો વિકાસ દર છે.

1990માં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર 3.9 ટકા રહી હતી. વર્ષ 2018ના ચોથા ત્રીમાસીક ગાળામાં વિકાસદર 6.4 ટકા રહ્યો જે ત્રીજા ત્રીમાસીક ગાળામાં 6.5 ટકાની તુલનામાં ઓછો છે.

ચીનની આર્થિક સુસ્તીની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડવાની ચિંતા વધી ગઈ છે. અમેરિકા સાથે ટ્રેડ વોરના કારણે આનું આર્થિક પરિદ્રશ્ય કમજોર બન્યું છે. વર્ષ 2018ની શરુઆતથી જ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંન્ને દેશ એકબીજાના માલ પર આયાત શુલ્કમાં વધારો કરી રહ્યા છે.

ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના આશરે 250 અબજના માલ પર આયાત શુલ્કમાં 25 ટકા સુધી વધારો કરી ચૂક્યા છે. ત્યાં જ અમેરિકાના આ પગલા બાદ ચીને અમેરિકાના 110 અબજના માલ પર આયાત શુલ્ક વધાર્યો.