સારા સમાચારઃ ટ્રમ્પ નવા ટેરિફ ન લગાવવા સહમત, ચીન-અમેરિકા ટ્રેડ વોર હળવું…

બેજિંગઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્યાપાર વાર્તાને આગળ વધારવા માટે તૈયાર થઈ ગયાં છે. ટ્રમ્પે કહ્યું કે ચીની વસ્તુઓ પર નવા શુલ્ક નહીં લગાવવામાં આવે. જાપાનના ઓસાકામાં જી-20 સમિટમાં શનિવારના રોજ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત થઈ. અમેરિકા અને ચીન દુનિયાની બે સૌથી મોટી મહાશક્તિઓ છે. આ કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થાઓ માટે રાહતના સમાચાર છે. ચીની મીડિયા અનુસાર બંને દેશના પ્રમુખે જાપાનના ઓસાકામાં ચાલી રહેલાં જી-20 શિખર સમ્મેલનમાં શનિવારે મુલાકાત કરી હતી..

અમેરિકી રાષ્ટ્રપતિએ જી20 શિખર સમ્મેલન બાદ વાતચીતમાં કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અમારી સારી બેઠક થઈ છે. અમે લોકોએ વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત કરી અને હવે અમે બીજીવાર ટ્રેક પર આવી રહ્યા છીએ. આશા છે કે બંન્ને દેશો દ્વારા જલ્દી જ કોઈ અધિકારીક નિવેદન જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે તે ચીન સાથે ઐતિહાસિક ડીલ માટે તૈયાર છે.

અમેરિકા અને ચીન વચ્ચે ગત વર્ષે માર્ચમાં ટ્રેડ વોર શરુ થયો હતો. બંન્ને દેશ એકબીજાના અબજો ડોલરના આયાત પર શુલ્ક વધારી ચૂક્યાં છે. નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ જી-20માં મળ્યા તો ટ્રેડ

વોર ખતમ કરવા માટે વ્યાપાર વાર્તા શરુ કરવા પર સહમતિ બની. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ વાતચીત માટે રાજી થયાં હતાં કે માર્ચ સુધી તેઓ ટેરિફ નહીં વધારે.આ સમાચારને લઇ આર્થિક નિષ્ણાતો હાશકારો અનુભવી રહ્યાં છે કે ટ્રેડ વોર હવે હળવું બનશે.