ભારતથી આયાત થતી વસ્તુઓ પર ટેક્સ ઘટાડશે ચીન

નવી દિલ્હીઃ ચીને ભારત સાથે વ્યાપારિક મોરચે દોસ્તીનો હાથ લંબાવવાના સંકેત આપ્યા છે. ચીને ભારતથી આયાત થનારા 8,500થી વધારે સામાનો પર ટેક્સ ઓછો કરવાની તૈયારી કરી છે. ભારત ઉપરાંત અન્ય ચાર પડોશી દેશોથી આયાત થનારા કેમિકલ્સ, ફાર્મ પ્રોડક્ટ્સ અને મેટલ્સ પર ચીને ટેક્સ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા સાથેના ટ્રેડવોરને પહોંચી વળવાના હેતુથી ચીને આ નિર્ણય કર્યો છે.

ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ચીન દ્વારા ભારતમાંથી આયાત થતા સામાનો પર લાગતા ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે અથવા તો તેને સમાપ્ત કરવામાં આવશે. ભારત, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, લાઓસ અને શ્રીલંકાથી આવનારા સામાનો પર ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે. ચીન દ્વારા જે પ્રોડક્ટ પર ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે તેમાં કેમિકલ્સ, એગ્રિકલ્ચરલ એન્ડ મેડિકલ પ્રોડક્ટ, સોયાબીન, કપડા, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આનાથી વ્યાપારના અસંતુલનને ઓછુ કરવામાં મદદ પ્રાપ્ત થશે.

ટ્રેડ એક્સપર્ટનું માનીએ તો ચીનનું આ પગલુ પણ રણનૈતિક છે. આનું કારણ એ છે કે આમાંથી મોટાભાગની વસ્તુઓ એવી છે કે જેના પર પહેલાથી વધારે ટેરિફ લાગતો હતો અને તેની આયાત મુખ્યરૂપે અમેરિકાથી થતી હતી. ઉલ્લેખનીય છે કે 17 જૂનના રોજ ચીને અમેરિકાથી આવનારા સોયાબિન, કેમિકલ પ્રોડક્ટ્સ, અને મેડિકલ ઉપકરણો પર ટેક્સ 25 ટકા સુધી વધારવાની જાહેરાત કરી હતી.