બાંગ્લાદેશના રસ્તે ભારતને ઘેરવા ચીનની નવી ચાલ…

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીન હવે બાંગ્લાદેશના રસ્તે ભારતની ઘેરાબંધી કરવા જઈ રહ્યું છે. આના માટે તેણે બાંગ્લાદેશ સાથે 60 કરોડ ડોલર એટલે કે 4300 કરોડ રુપિયાની મોટી ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત ચીન, બાંગ્લાદેશના પાયરા ડીપ-સી પોર્ટનું નિર્માણ કરશે. આ પોર્ટને સામરિક દ્રષ્ટીકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી તે ભારતીય સમુદ્ર તટથી ખૂબ નજીક પહોંચી જશે અને હિંદ મહાસાગરમાં મોટા ભાગ પર નજર રાખી શકશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચીને ડિસેમ્બર, 2016માં પોતાના જિઓપોલિટીકલ ઈકોનોમિક કોરિડોરથી ઓબોર એટલે કે વન બેલ્ટ વન રોડ સાથે જોડાવા માટે બાંગ્લાદેશ સાથે સમજૂતી કરી હતી. આ પ્રોજેક્ટને બીઆરઆઈ પણ કહેવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ચીન દ્વારા પ્રાયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી એશિયાઈ દેશોને જોડવાનો છે. આને ચીનના વિશેષજ્ઞો 21મી સદીનો સિલ્ક રોડ પણ કહે છે.

આ ક્રમમાં ચીન, બાંગ્લાદેશના પાયરા ડીપ-સી પોર્ટના વિકાસમાં પણ ખાસો રસ ધરાવી રહ્યું છે. ચીનની બે કંપીઓ ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની અને ચાઈના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ આ પોર્ટના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બાંગ્લાદેશ સાથે 60 કરોડ ડોલરની ડીલ કરી છે. આ ડીલમાં હાઉસિંગ, હેલ્થકેર, એજ્યુકેશન સહિત ઈન્ફ્રાનો વિકાસ પણ શામિલ છે.

રોકાણ દ્વારા ચીન પોતાની વાસ્તવિકતાને છુપાવવા અને હકીકતમાં તો તે સામરિક દ્રષ્ટીકોણથી મહત્વપૂર્ણ બાંગ્લાદેશના આ પોર્ટને પોતાના કન્ટ્રોલમાં લેવા ઈચ્છે છે. ચીને શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટને લઈને પણ આ જ રણનીતિ પર કામ કર્યું હતું.

વન બેલ્ટ વન રોડ પ્રોગ્રામ અંતર્ગત ચીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેની આગેવાની વાળી તત્કાલીન સરકારને અબજો ડોલરનું ઋણ આપ્યું હતું, જેમાં હમ્બનટોટા પોર્ટનો વિકાસ તેની પ્રાથમિકામાં હતો. જો કે શ્રીલંકા પર દેવું વધતું ગયું અને વર્ષ 2017માં 99 વર્ષની લીઝના માધ્યમથી ચીને આ પોર્ટને પોતાના નિયંત્રણમાં લઈ લીધું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]