ચિદમ્બરમ પર 6 મામલા ચાલી રહ્યાં છે,લાંચના પૈસાથી ખરીદી છે પ્રોપર્ટી : EDનો દાવો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા, દેશના નાણાં અને ગૃહપ્રધાન રહી ચૂકેલાં પી.ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને હેરફેર સાથે જોડાયેલા 6 મામલાઓ નોંધાયેલાં છે. આ તમામ કેસ નીચલી અથવા ઉપરી અદાલતોમાં પેન્ડિંગ છે. તમામમાં સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, આઈટી ચિદમ્બરમની પૂછપરછ કરી રહી છે અથવા તેમને સમન્સ મોકલી ચૂકી છે. 3 કેસમાં ચિદમ્બરમને જામીન પણ મળી ચૂક્યાં છે. આટલું જ નહી, પરંતુ ભ્રષ્ટાચારના 3 મામલાઓમાં ચિદમ્બર સાથે તેમની પત્ની નલિની, દીકરો કાર્તી અને દીકરાની વહુ પણ આરોપી છે. કાર્તિ અત્યારે જામીન પર છૂટી ગયો છે.

ઈડીએ ચિદમ્બરમ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલાની તપાસનું વર્તુળ વધારી દીધું છે. તપાસ એજન્સીને સંદેહ છે કે આઈએનએક્સ મીડિયા અને એરસેલ-મેક્સિસ સિવાય 4 અન્ય વ્યાપારી સોદાઓમાં કથિત ગેરકાયદે એફઆઈપી મંજૂરી આપવામાં ચિદમ્બરમની ભૂમિકા સંદિગ્ધ છે. સાથે જ ઘણી શેલ કંપનીઓ દ્વારા કરોડો રુપિયાની લાંચ પણ લીધી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી છે. આ 4 મામલાઓ ડિયાજો સ્કોટલેન્ડ લિમિટેડ, કટારા હોલ્ડિંગ્સ, એસ્સાર સ્ટીલ લિમિટેડ અને એલફોર્જ લિમિટેડ સાથે સંબંધિત છે.

એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે પિતાપુત્ર દ્વારા લેવામાં આવેલી લાંચની રકમનો ઉપયોગ તેમના વ્યક્તિગત ખર્ચાઓમાં, વિદેશોમાં બે ડઝનથી વધારે ખાતાં ખોલવા માટે અને તેમાં પૈસા જમા કરાવવા, તેમ જ મલેશિયા, બ્રિટન, સ્પેન સહિત અન્ય દેશોમાં અચલ સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો છે. કાર્તિ સાથે જોડાયેલી એક કંપનીને એક બ્રિટિશ વર્જિન આઈલેન્ડ સ્થિત કંપનીને મોટી ચૂકવણી કરવામાં આવી છે. આ બીવીઆઈનો ઉલ્લેખ પનામા પેપરમાં પણ થયો હતો.

આ છે 6 મામલા, તે સમયના જ્યારે ચિદમ્બરમ પ્રધાન હતાં

  • INX મીડિયાઃ ચિદમ્બરમ પર પહેલો મોટો આરોપ આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રુપિયાના વિદેશી ફંડ લેવા માટે એફઆઈપીબીની મંજૂરીમાં ગોટાળાનો છે. આ મામલો 2007 નો છે. ત્યારે ચિદમ્બરમ નાણાં પ્રધાન હતાં. તેઓ તપાસ એજન્સીઓના રડાર પર ત્યારે આવ્યાં કે જ્યારે આઈએનએક્સના પ્રમોટર ઈન્દ્રાણી મુખર્જીની ઈડીએ પૂછપરછ કરી. ઈન્દ્રાણીએ જણાવ્યું કે ચિદમ્બરમે ડીલના બદલે કાર્તિ ચિદમ્બરમને વિદેશી ધન મામલે મદદ કરવાની વાત કરી હતી.
  • શારદા ચિટફંડમાં 1.4 કરોડ રુપિયાની લાંચ લેવાનો આરોપઃ ચિદમ્બરમની પત્ની નલિની વિરુદ્ધ સીબીઆઈ શારદા ચિટફંડ ગોટાળામાં આરોપપત્ર દાખલ કરી ચૂકી છે. તેમના પર 1.4 કરોડ રુપિયાની લાંચ લેવાનો આરોપ છે. કોલકત્તા હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવી છે.
  • કાળાં નાણાં મામલે પત્ની, દીકરા અને પુત્રવધૂ પણ આરોપી છેઃ ચિદમ્બરમ, તેમના પત્ની નલિની, દીકરા કાર્તિ ચિદમ્બરમ, દીકરાની વહુ શ્રીનિધિ પર કાળાં નાણાં મામલે કર અધિનિયમ 2015 અંતર્ગત આરોપ છે. મદ્રાસ હાઈકોર્ટે 2018માં આઈટી વિભાગ દ્વારા કેસ ચલાવવા આદેશ રદ કરી દીધાં હતાં.
  • એરસેલ-મેક્સિસ સોદામાં 3500 કરોડ રુપિયાની ડીલ એકલા જ પાસ કરી દીધીઃ બીજો મામલો એરસેલ મેક્સિસ વચ્ચે 3500 કરોડ રુપિયાના સોદા સાથે જોડાયેલો છે. આમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. 2006માં મેક્સિસે એરસેલમાં 100 ટકા ભાગીદારી લીધી હતી. ચિદમ્બરમ તે સમયે નાણાં પ્રધાન હતાં. 2જી સાથે જોડાયેલા આ કેસમાં ચિદમ્બરમ પર હવાલા કેસ નોંધાયેલો છે. વિદેશી રોકાણને સ્વીકૃતિ આપવાની નાણાં પ્રધાનની મર્યાદા માત્ર 600 કરોડ જ છે, છતાં પણ 3500 કરોડની ડીલ કેબિનેટ સમિતિની મંજૂરી વગર પાસ કરી દેવામાં આવી.
  • એવિએશન ગોટાળામાં 1250 કરોડના લાભનો આરોપઃ ઈડીએ ચિદમ્બરમને એવિએશન ગોટાળાના આરોપમાં 23 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે સમન મોકલ્યું છે. આમાં 2007માં ચિદમ્બરને નાણાં પ્રધાન રહ્યાં દરમિયાન 111 યાત્રી વિમાન ખરીદીમાં ગોટાળા મામલે તપાસ ચાલી રહી છે.
  • ઈશરત જહાં કેસમાં હલફનામામાં છેડછાડનો આરોપઃ ચિદમ્બરમ વિરુદ્ધ ઈશરત જહાં મામલા સાથે જોડાયેલાં એક હલફનામામાં છેડછાડ કરવા સાથે જોડાયેલી ફરિયાદ દિલ્હી પોલીસમાં લંબિત છે. આરોપ છે કે જ્યારે હલફનામામાં છેડછાડ કરવામાં આવી હતી, ત્યારે ચિદમ્બરમ ગૃહ પ્રધાન હતાં.
  • સીબીઆઈ 1161 લોકો વિરુદ્ધ તપાસ કરી રહી છે, આમાં 115 નેતા શામેલઃ સીબીઆઈ જૂન 2017 સુધી 14 મોટા નેતાઓ વિરુદ્ધ તપાસ કરી રહી હતી. આમાં ચિદમ્બરમ સિવાય હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર, હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત, લાલુ યાદવ જેવા નામોનો સમાવેશ થાય છે. ત્યારે સીબીઆઈ પાસે 6414 કેસ અંડર ટ્રાયલ હતાં. આમાં 115 નેતાઓ હતાં. ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા 1161 લોકો વિરુદ્ધ ચાલી રહ્યાં હતાં.