3 રુપિયામાં લેવાના દેવા થઈ પડ્યાં, જાણીતી કંપનીને રુપિયા 9000 ચૂકવવા આદેશ

ચંડીગઢ– મોટા મોટા શોરુમ કે મોલમાં ખરીદી કરનાર ગ્રાહકોને અનુભવ હોય છે કે હજારો રુપિયાના માલસામાનની ખરીદી છતાં તેમની પાસેથી ઘણીવાર કેરી બેગના રુપિયા વસૂલવામાં આવતાં હોય છે. એવા એક કિસ્સામાં જાણીતી શૂઝ કંપનીને લેવાના દેવા થઈ પડ્યાં હતાં.

વાત જાણે એમ છે કે બાટા ઇન્ડિયા લિમિટેડને એક પેપર બેગના 3 રુપિયાનો ચાર્જ ઘણો મોંઘો પડી ગયો હતો. કેરી બેગ માટે કરેલા 3 રુપિયાના ચાર્જ સામે બાટાએ ગ્રાહકને 9000 રુપિયાનો દંડ ઉઠાવવો પડ્યો હતો.

ચંડીગઢના રહેવાસી દિનેશપ્રસાદે બાટાના શૉ રુમમાંથી એક જોડી પગરખાં ખરીદ્યાં હતાં. અને તેના માટે 402 રુપિયાનું બિલ પણ ચૂકવ્યું તેમાં પેપરબેગનો સમાવેશ પણ થતો હતો. જેને લઇને પેપરબેગના 3 રુપિયાનું રીફંડ મેળવવા ગ્રાહક તરીકે તેમણે ચંડીગઢ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. પહેલાં તો બાટાએ આરોપ ફગાવી દીધો હતો. જોકે કંપની સર્વિસમાં બેદરકારીનો દોષ માનતાં ફોરમે કંપનીને 9000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

વધુમાં ગ્રાહક કોર્ટે જણાવ્યું કે ગ્રાહકને પેપરબેગના નાણાં ચૂકવવા ફરડ પાડવી અયોગ્ય છે. આ કંપનીની બેદરકારીભરી સેવા દર્શાવે છે. પેપરબેગ કંપનીએ નિઃશુલ્ક આપવી જોઇએ. તેના રુપિયા ગ્રાહક પાસેથી લેવાના ન હોય પરંતુ સુવિધા માટે પેપરબેગ આપવી જોઇએ. જો કંપનીઓ સાચે જ પર્યાવરણ વિશે ચિંતિત છે તો ગ્રાહકોને પર્યાવરણ અનુકૂળ બેગ આપવી જોઇએ. જેથી ગ્રાહકના ત્રણ રુપિયા પરત આપવાના આદેશ ઉપરાંત 1000 રુપિયા ઉપરાંત ગ્રાહકે વેઠવી પડેલી માનસિક પીડા માટે 3000 રુપિયા ચૂકવવા જણાવ્યું. ઉપરાંત, ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગના કાનૂની સહાયતાના લેખે 5000 રુપિયા જમા કરવાનો પણ આદેશ આપ્યો હતો.