સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 2021ની 1 જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે કાંદાની તમામ વેરાયટીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. દેશમાં છેલ્લા અમુક અઠવાડિયામાં કાંદાના ભાવ ઘટી જતાં સરકારે નિકાસનો માર્ગ ફરી મોકળો કરી આપ્યો છે. કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ વિશેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગયા સપ્ટેમ્બરમાં કાંદાના ભાવ ખૂબ વધી ગયા બાદ, કિલોએ 100 રૂપિયા થઈ ગયા બાદ, દેશમાં કાંદાની ઉપલબ્ધતા વધારવા અને ઘરેલુ બજારમાં કાંદાના ભાવ નીચે લાવવા માટે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કાચા કાંદા ઉપરાંત પાવડરના રૂપમાં કાંદાની નિકાસ પણ હવે કરી શકાશે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ભારતે ગયા એપ્રિલ અને જૂન મહિનાઓ વચ્ચે આશરે 19.8 કરોડ ડોલરની કિંમતના કાંદાની નિકાસ કરી હતી. ગયા વર્ષે 44 કરોડ ડોલરના કાંદાની નિકાસ કરી હતી. પરંતુ દક્ષિણના રાજ્યોમાં તેમજ મહારાષ્ટ્રમાં ખૂબ વરસાદને કારણે કાંદાની ખેતીને ભારે નુકસાન થયું હતું. ભારતમાંથી કાંદાની નિકાસ સૌથી વધુ શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમિરાતમાં થાય છે.