CDSLનો ચોખ્ખો નફો 35 ટકા વધીને રૂ. 109 કરોડ થયો

મુંબઈઃ દેશની અગ્રણી ડિપોઝિટરી CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2023એ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળાનાં ઓડિટેડ પરિણામની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 23-24ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ધોરણે કુલ આવક આગલા વર્ષના સમાન ગાળાના રૂ. 141 કરોડથી 29 ટકા વધીને રૂ.182 કરોડ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ.69 કરોડથી 28 ટકા વધીને રૂ.88 કરોડ થયો છે.

30 સપ્ટેમ્બર, 2023એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક રૂ.170 કરોડથી 35 ટકા વધીને રૂ. 230 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 80 કરોડથી 35 ટકા વધીને રૂ.109 કરોડ થયો છે.નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે સ્ટેન્ડએલોન ધોરણે કુલ આવક રૂ.170 કરોડ અને કરવેરા બાદનો નફો રૂ.92 કરોડ થયો છે. કોન્સોલિડેટેડ ધોરણે કુલ આવક રૂ.174 કરોડ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો રૂ.74 કરોડ થયો છે.

ડિપોઝિટરીના MD અને CEO નેહલ વોરાએ કહ્યું છે કે અમે અમારા 25માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બિઝનેસ કરવાની સરળતાને વધારવા અને નાણાકીય ઇકોસિસ્ટમમાં વિશ્વાસ વધારવાના અમારા સતત પ્રયાસો આશાસ્પદ પરિણામો લાવી રહ્યા છે, ખાસ કરીને આ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

30 સપ્ટેમ્બર, 2023ના અંતે ડિમેટ ખાતાંની સંખ્યા 9.62 કરોડની થઈ છે. આ ત્રિમાસિક ગાળામાં આશરે 80 લાખ નવા ડિમેટ એકાઉન્ટસનો ઉમેરો થયો હતો. CDSLને ઓક્ટોબર 2023માં ડિજિટલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેને ‘બિઝનેસ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ’ પ્રાપ્ત થયો હતો અને મે, 2023માં ગ્લોબલ કસ્ટોડિયને તેને ‘ડિજિટલ એન્ડ માર્કેટ લીડરશિપ’ એવોર્ડથી સન્માનિત કરી હતી.