PNB કૌભાંડઃ ત્રીજી એફઆઈઆર નોંધાઈ, ફ્રોડની રકમ વધીને 12,900 કરોડ

મુંબઈઃ પીએનબી ફ્રોડ મામલે સીબીઆઈ દ્વારા ત્રીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર ટ્રાંઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રીજી એફઆઈઆરમાં આ સ્કેમથી પીએનબીને 12,900 કરોડ રૂપીયાના નુકસાનની વાત કહેવામાં આવી છે જેને આ પહેલા 12,638 બતાવવામાં આવ્યા હતા. આ એફઆઈઆર 4 માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી.

આમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નિરવ મોદીના ફ્લેગશિપ ફાયરસ્ટાર ગ્રુપે અન્ય સાથે મળીને પીએનબીને 321.88 કરોડ રૂપીયાનો ચૂનો લગાવ્યો હતો કારણકે આ કંપનીઓ માટે જે ફંડ બેઝ અને નોન ફંડ બેઝ લિમિટ નક્કી કરવામાં આવી હતી તેનો ઉપયોગ એવા કામ માટે નહોતો કરવામાં આવ્યો કે જેના માટે તેમને મંજૂરી આપવામાં આવી હતી. આ લિમિટ રફ ડાયમંડની આયાત અને જ્વેલરી નિકાસ માટે નક્કી કરવામાં આવી હતી. જ્વેલર નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓએ પીએનબીના અધિકારીઓ સાથે મિલીભગત કરીને બેંક સાથે છેતરપીંડી કરી છે.

પીએનબીની ફરિયાદ બાદ આ મામલે પહેલી એફઆઈઆર 31 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવી હતી. આ એફઆઈરમાં જણાવવામાં આવ્યું હતું કે 2017માં 280.7 કરોડના ગેરકાયદેસર લેટર્સ ઓફ અંડરટેકિંગ અથવા ગેરંટી જાહેર કરવામાં આવી હતી. બીજી એફઆઈઆર 15 ફેબ્રુઆરીના રોજ નોંધવામાં આવી હતી જેમાં એલઓયુ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ દ્વારા નાણાકિય વર્ષ 2017-18માં 4,886.72 કરોડની નુકસાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્રીજી એફઆઈઆર પહેલા સીબીઆઈને જાણકારી મળી હતી કે પીએનબીને ચોક્સીના ગીતાંજલી ગ્રુપ દ્વારા 6,138 કરોડ અને નીરવ મોદી ગ્રુપ દ્વારા 6,500 કરોડ રૂપીયાનું નુકસાન થયું થયું હતું.