બેંકોમાં ધમધમાટ, 800થી વધુ ડીફોલ્ટરોની યાદી સીબીઆઈને સોંપશે

નવી દિલ્હી– પીએનબી બેંકની છેતરિપંડીનો મામલો આવ્યાં બાદ સરકાર દ્વારા આ પ્રકારના કિસ્સાઓની તપાસ તેજ બની હતી જેને લઇને આશરે 800થી વધુ મોટા દેવાદારોની યાદી તૈયાર થઇ છે. આ તમામ નામની યાદી બેંકો દ્વારા સીબીઆઈને સોંપવામાં આવશે. આ ડીફોલ્ટર્સ એ છે જેમણે 50 કરોડ રુપિયાથી વધુ નાણાં લોનપેટે લીધાં છે.

800થી વધુ ડીફોલ્ટરોની આ યાદી સીબીઆઈને સોંપાતા તેમના પર સકંજો કસાશે. સરકાર દ્વારા નાણાં મંત્રાલયના આદેશથી બેંકોને જણાવવામાં આવ્યું હતું કે 50 કરોડથી વધુની એનપીએ લોનની તપાસ કરી 15 દિવસમાં સીબીઆઈને જણાવે.

જે 800ની યાદી તૈયાર થઇ છે તેમાં સૌથી વધુ ડીફોલ્ટરોએ જાહેર બેંકોના નાણાં ગપચાવ્યાં છે. વિજય માલ્યાએ 9600 કરોડ અને 12622 કરોડના નીરવ મોદી-મેહૂલ ચોક્સીના કૌભાંડ પછી સરકારને ડર છે કે આવા બીજા દેવાદારો પણ વિદેશ ભાગી જઇ શકે છે. તેની સામે સાવચેતીરુપે પગલાં લેવા  કેબિનેટે ફ્યૂગિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદા પ્રમાણે વિદેશ ભાગી ગયેલાં દેવાળીયાંઓની સંપત્તિ જપ્ત કરવા અને તેનું ઝડપથી વેચાણ કરી નાણાં વસૂલ કરવાની પ્રક્રિયા આસાન બની છે. સાથે જ તપાસ એજન્સીઓને વધુ સત્તા આપવામાં આવી છે.

નવા કાયદાના આધારે નીરવ મોદી જેવા કેસમાં આરોપીની સંપત્તિને ઇમ્પાઉન્ડ અને વેચાણ કરવાની સરકારને મંજૂરી મળશે અને વિશેષ કોર્ટના માધ્યમથી કોર્પોરેટ ડીફોલ્ટર્સના ભાગી જવા બાદ ઝડપથી રીકવરી કરી શકાશે.

બેંકોની એનપીએની સ્થિતિ એ હદે પહોંચી છે કે એકલી જાહેર બેંકોના એનપીએની રકમ સાડા સાત લાખ કરોડ રુપિયા પહોંચી ગઇ છે. આ આંકડો સપ્ટેમ્બર 2017નો છે. આ કારણે બેંકોની સ્થિતિ કથળવા સાથે વધુ લોન આપવાની ક્ષમતા પર પણ અસર પડી છે. પીએનબી કૌભાંડ બહાર આવ્યાં બાદથી રોકાણકારોના 56 હજાર કરોડ રુપિયા ફક્ત શેરબજારમાં ડૂબી ગયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]