રૂપિયામાં આવેલી નરમાશથી કાર અને ટીવી થઈ શકે છે મોંઘા

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જ ટેક્સમાં કપાતને લઈને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ટીવી અને કાર જેવી વસ્તુઓ સસ્તી થશે પરંતુ આ પ્રકારની આશાઓ પર હવે પાણી ફરતુ દેખાઈ રહ્યું છે. અને આનું કારણ છે કે રૂપિયામાં સતત આવી રહેલી નરમાશ. રૂપિયો નબળો પડી રહ્યો હોવાના કારણે આ વસ્તુઓ સાથે જોડાયેલા પાર્ટ્સની આયાત મોંઘી થઈ રહી છે. હવે ટીવી અને કાર મેન્યુફેક્ચરર્સ કીંમતોમાં વધારાને લઈને વિચાર કરી રહ્યા છે.

અમેરિકામાં વ્યાજદરોમાં થયેલા વધારા અને ટ્રેડ વોરને લઈને વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતાની સ્થિતી હોવાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર તેજીથી મજબૂત થયો છે અને રૂપિયો ડોલરની સરખામણીએ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. રૂપિયો અત્યારે એશિયાની સૌથી ખરાબ પર્ફોમન્સ આપનારી કરન્સીઝ પૈકી એક બની ગયો છે.

અત્યારે મેન્યુફેક્ચરિંગ કરતી સ્થાનિક કંપનીઓને અન્ય દેશમાંથી ઈલેક્ટ્રિક, ઈનર પાર્ટ્સ, ઈસીયૂ, એન્જીન અને ટ્રાંસમિશન પાર્ટ્સ જેવી વસ્તુઓની આયાત કરવી પડે છે. કંપની દ્વારા જાપાની પેરેંટ ફર્મ સુઝુકીને રોયલ્ટી મેનેન્ટ કરવાનું હોય છે. તો આ સીવાય અન્ય વેરિએબલ્સ પણ કંપનીના ફાઈનાન્સને પ્રભાવિત કરે છે. મહત્વનું છે કે કંપનીઓ પોતે જે પ્રોડક્ટ ભારતમાં તૈયાર કરે છે તેના કેટલાક પાર્ટ્સ અન્ય દેશોમાંથી આયાત કરવા પડે છે અને અત્યારે રૂપીયામાં નરમાશને કારણે કંપનીઓને પાર્ટ્સ આયાત કરવા મોંઘા પડી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં ઈલેકટ્રોનિક્સ અને કાર જેવી પ્રોડક્ટ્સ સસ્તી થાય તેવી શક્યતાઓ દેખાતી નથી.