ક્રેડિટ કાર્ડના ‘હિડન ચાર્જિસ’ વિશે બેન્કો સામેથી જાણકારી નથી આપતી

નવી દિલ્હી- ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે. પરંતુ તેના ગેરફાયદા પણ ઘણા છે. ઘણીવાર ક્રેડિટ કાર્ડ બજેટ કરતા વધારે ખરીદી કરવા માટે પણ કારણભૂત બને છે. જેથી બાદમાં બાકી રકમ જમા કરાવવી મુશ્કેલ બની જતી હોય છે. જોકે ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી તમારા ખાતામાંથી તાત્કાલિક બેલેન્સ નથી કપાતી, જ્યારે ડેબિટ કાર્ડમાં ખાતામાંથી તાત્કાલિક બેલેન્સ કપાય છે. અનેક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે, ક્રેડિટ કાર્ડના ઘણા બધા છૂપા ચાર્જ વિશે બેન્ક તેના ગ્રાહકોને માહિતી નથી આપતી.તમે નોંધ્યું હશે કે, તમારા બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સથી રકમ ઓછી થાય ત્યારે બેન્ક તરફથી SMS દ્વારા જાણ કરવામાં આવે છે. પરંતુ ક્રેડિટ કાર્ડના કિસ્સામાં આવું બનતું નથી. કારણકે, મોડી ચૂકવણીના કિસ્સામાં ગ્રાહકે વિલંબિત શુલ્ક પણ ભરવાનું રહે છે. જે બેન્ક માટે આવકનું એક માધ્યમ બની રહે છે.

ઉપરાંત બેન્ક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકને સામેથી નથી જણાવતી કે, પોઇન્ટ્સને કેવી રીતે રિડિમ કરવા. જેથી યોગ્ય માહિતીના અભાવે અનેક પોઇન્ટ્સ પડ્યા રહે છે અને ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા પૂરી થઈ જતી હોય છે. સરવાળે ગ્રાહકને નુકસાન થાય છે. અને બેન્કને સીધી અથવા આડકતરી રીતે ફાયદો પહોંચે છે.

ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડ પર અવારનવાર ફ્રી EMI અથવા ઝીરો ટકા પર EMIની સ્કીમ આપવામાં આવે છે. પરંતુ એની પાછળ શરતો લાગૂ હોય છે. જે બેન્ક દ્વારા ગ્રાહકોને જણાવવામાં આવતી નથી. જો ગ્રાહક એક પણ શરતનું ઉલ્લંઘન કરે તો તેને વ્યાજની મોટી રકમ ચુકવવી પડી શકે છે.