શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ- શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ અને સપ્તાહના છેલ્લા દિવસે પણ તેજીવાળા ખેલાડીઓની બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. તેમ ઈન્ફોસીસના પરિણામો પહેલા પણ નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો., તેની સાથે મેટલ આઈટી, ફાર્મા અને રીયલ્ટી સેકટરના શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 91.52(0.27 ટકા) વધી 34,192.65 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 21.95 વધી 10,480.60 બંધ થયો હતો.આજની ટ્રેડિંગ સેશનમાં હેવીવેઈટ શેરો જેવા કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ઈન્ફોસીસ, ટીસીએસ અને એચડીએફસીમાં નવા બાઈંગથી ઈન્ડેક્સને સપોર્ટ મળ્યો હતો. માર્ચ મહિનામાં રીટેઈલ મોંઘવારી દર 5 મહિનાની નીચી સપાટીએ 4.28 ટકા રહ્યો હતો. તેમજ ફેબ્રુઆરીમાં આઈઆઈપી ડેટામાં સુધારો જોવા મળ્યો અને આઈઆઈપી વધી 7.1 ટકા રહ્યો હતો. જે ઈકોનોમીનો ડેટા પોઝિટિવ આવ્યો હતો, જેથી પણ શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.

  • લંડન મેટલ એક્સચેન્જમાં એલ્યુમિનિયમની કીમતોમાં સતત વધારો થતાં મેટલ સેકટરના શેરોના ભાવ ઊંચકાયા હતા. હિન્દાલકો અને વેદાન્તાના શેરમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.
  • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 369 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 615 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 294 પોઈન્ટ વધી 24,483 બંધ રહ્યો હતો. જ્યારે નેસ્ડેક 71 પોઈન્ટ વધી 7140 બંધ હતો.
  • મિશ્ર ઘાતુ નિગમના સ્ટોકમાં જાણકાર વર્તુળોની ભારે લેવાલીથી નોંધપાત્ર તેજી થઈ હતી.
  • રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એજ્યુકેશનલ ટેકનોલોજી પ્રોવાઈડર ઈન્ડિવિડ્યુલ લર્નિંગ પ્રાઈવેટ લિમિટેડમાં 73 ટકા હિસ્સો મેળવ્યો છે.
  • ઈન્ફોસીસ ટેકનોલોજીના ચોથા કવાર્ટરના પરિણામો પહેલા બે તરફી કામકાજ વચ્ચે બેઉ તરફી વધઘટે મજબૂતી રહી હતી.
  • અશોક લેલન્ડને સંરક્ષણ મંત્રાલયનો રૂપિયા 100 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • આજે કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં પંસદગીના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 77.09 પ્લસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 47.16 વધ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]