શેરબજારમાં બીજા દિવસે તેજીઃ સેન્સેક્સમાં 284 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આરબીઆઈએ ગઈકાલે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો, એટલે કે હોમ, ઓટો અને પર્સનલ લોન મોંઘી થશે. તેમ છતાં આજની ટ્રેડિંગ સેશનમાં ઓટો, બેંક અને રિયલ્ટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી, અને શેરોના ભાવ ઊંચકાયા હતા. તે સાથે ઈન્ડેક્સ હેવીવેઈટ શેરો જેવા કે ઓએનજીસી, ઈન્ફોસીસ, એચયુએલ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસીમાં નવી લેવાલીથી તેજીને સપોર્ટ મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 284.20 ઉછળી 35,463.08 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 83.70 ઉછળી 10,768.35 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. પણ નવી લેવાલી ચાલુ રહી હતી. આરબીઆઈની ધીરાણ નીતિની સમીક્ષા પછી પણ તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, અને તે પણ ઊંચા મથાળે નવી લેવાલી આવી હતી. વર્લ્ડ બેંકે જીડીપી ગ્રોથ વધીને આવવાની આગાહી કરી છે, તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત નવમાં દિવસે ઘટ્યા હતા. આમ મોંઘવારીનો દર પણ ઘટીને આવવાની ધારણા રખાઈ રહી છે. આથી શેરબજારમાં નવા બાઈંગ ઓર્ડર સાથે તેજીની આગેકૂચ રહી હતી.

  • ચાર વર્ષ પછી રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો થયો છે.
  • વોલેટેલિટી ઈન્ડેક્સમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે, જેથી હવે બજારમાં ગભરાટ સમાપ્ત થઈ ગયો છે.
  • બીએસઈએ 487 સ્ટોકમાં સર્કિટ લિમિટમાં ફેરફાર કર્યો છે.
  • વિડિયોકોન નાદારીની કગાર પર છે, આથી વિડિયોકોનમાં પાંચ ટકાની લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
  • બુધવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 81.40 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 712.31 કરોડની કુલ ચોખ્ખી ખરીદી કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]