શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજી, સેન્સેક્સ નિફટી એક મહિનાની હાઈ પર

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ ભારતીય હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,400ની સપાટી કૂદાવી હતી, અને સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 200 પોઈન્ટ ઉછળ્યો હતો. હેવીવેઈટ શેરો જેવા કે એચયુએલ, ટીસીએસ, રીલાયન્સ, ઓએનજીસી અને ઈન્ફોસીસમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 60.19(0.18 ટકા) વધી 33,940.44 બંધ રહ્યો હતો. એનએસઈ નિફટી 14.90(0.14 ટકા) વધી 10,417.15 બંધ રહ્યો હતો.અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરને કારણે માર્કેટમાં ભયના માહોલ હતો, પણ ચીન-અમેરિકા વચ્ચે વાતચીત થાય તેવા સંજોગો ઉભા થયા છે. જેને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટ વધ્યા હતા, તેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર તેજીની અસર જોવા મળી હતી. તેજીવાળા ઓપરેટરોએ નવી લેવાલી કાઢી બજારની તેજીમાં નવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • મંગળવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 685 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 653 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • અમેરિકાનો ડાઉ જોન્સ 429 પોઈન્ટ ઉછળી 24,408 બંધ હતો, તેમજ નેસ્ડેક 144 પોઈન્ટ વધી 7094 બંધ હતો.
  • ટેલિકોમના સાધનો બનાવતી એચએફસીએલને રૂપિયા 579 કરોડનો બીએસએનએલનો 2જી જીએસએમ બેઝ સર્વિસ સેટ નેટવર્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેથી એચએફસીએલના શેરમાં નવા બાઈંગથી તેજી થઈ હતી.
  • ક્વૉલિટી લિમીટેડના શેરમાં 15.2 લાખ શેરની બ્લોક ડીલ થઈ હોવાના સમાચાર હતા. જેથી ક્વૉલિટી લિમીટેડના શેરમાં નવી ખરીદી આવી હતી.
  • રેટિંગ એજન્સી ફિચે પંજાબ નેશનલ બેંકનું રેટિંગ BB થી ઘટાડીને BB- કર્યું છે. પીએનબીમાં રૂપિયા 13,000 કરોડના કૌંભાડને પગલે બેંકની નાણાકીય સ્થિતી ખરડાઈ છે. આ સમાચારથી પીએનબીના શેરમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી.
  • ઓઈલ માર્કેટિંગ કંપનીના શેરમાં વેચવાલી ચાલુ રહી હતી. સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રૂપિયા એક પ્રતિલીટર બોજ ઉઠાવવાનું કહેવામાં આવ્યું છે. આથી પીએસયુ ઓઈલ કંપનીના શેરના ભાવ ઘટ્યા હતા.
  • આજે બેંક, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં મિશ્ર ટોન હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 35.63 પ્લસ બંધ હતો. અને બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 31.51 માઈનસ બંધ હતો.