કેન્દ્રિય અંદાજપત્ર-૨૦૧૯ વિશેના કેટલાંક અંદાજ…

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ બજેટમાં શું અને કેવા પગલાં ભરશે તેની 12 ઝલક જોઈએઃ જયેશ ચિતલિયા

બજેટની જાહેરાતના કલાકો ગણાઈ રહયા છે. ખાસ કરીને મહિલા નાણાં પ્રધાન પહેલીવાર કેન્દ્રિય  બજેટ રજુ કરવાના છે તેથી લોકોના મનમાં સવાલો અને ઉત્સુકતા પણ વધુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન છેલ્લા પાંચ વરસમાં ભુતપુર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી કરતા પણ વધુ પડકારમય સમયમાં બજેટ લાવી રહયા છે.

આર્થિક વિકાસ મંદ પડયો છે, નોકરીઓનું સર્જન ઘટી ગયું છે, બીજા શબ્દોમાં કહીએ તો બેરોજગારી વધી રહી છે. ગ્લોબલ સંજોગોમાં સતત અનિશ્રિતતા છે. ખેડુતોની સમસ્યાના ઉપાય કરવાના છે, નિકાસ વધારવાની છે. કરવેરા સંબંધી  સુધારા કરવાના છે, દેશની તિજોરીમાં આવક વધે અને લોકોનો બોજ પણ ન વદે એવા કદમ ભરવાના છે. માળખાંકીય સુધારાને જોર આપવાનું છે. ઘટી ગયેલા બચત અને વપરાશને વધારવાના છે. મુડી સર્જન પણ વધે એવા પગલાં ભરવાના છે. એક સાથે ઘણાં નિશાન તાકવાના છે.

શું કરશે નાણાં પ્રધાન? 12 અંદાજની ઝલક પર નજર

આર્થિક વિકાસને વેગ

પહેલી વાત, નાણાં પ્રધાનનું ઓવરઓલ લક્ષ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું હોવાથી તેમના દરેક પગલાંના કેન્દ્રમાં આર્થિક વિકાસ હશે. જેથી પ્રાથમિકતા એવા પગલાંને હશે , જે આર્થિક વિકાસને વેગ આપવામાં મુખ્ય ભુમિકા ભજવી શકે. હાલ આર્થિક વિકાસ છેલ્લા પાંચ વરસના નીચા દરે છે. 2015માં 7.4 ટકા હતો તે 2019માં 6.8 ટકા છે.

કૃષિ-ગ્રામ્ય ક્ષેત્ર માટે

બીજી વાત, કૃષિ-ખેડુત વર્ગ તેમ જ ગ્રામ્ય વિકાસ માટે પગલાં નિશ્રિંત છે. આર્થિક વિકાસ માટે આ અનિવાર્ય કદમ છે. રાજકીય દ્રષ્ટિએ પણ આ સેકટર અને આ સેકશન માટેના કદમ જરૂરી બન્યા છે. ગુજરાતના બજેટે તાજેતરમાં જ આવા પગલાં ભરીને કેન્દ્રિય બજેટના સંકેત આપ્યા છે. મહિલાઓ માટે વિશેષ  જોગવાઈઓ પણ બજેટનું ખાસ પાસું રહે તો નવાઈ નહીં.

વપરાશ-બચત વધારવા

ત્રીજી વાત,   આ વિકાસની ગાડીને સ્પીડ આપવા વપરાશ વધારવો અનિવાર્ય છે. જેથી બજેટમાં એ પગલાં ચોકકસ હશે, જે વપરાશ વધારે. આ માટે કરેવરાના સુધારા જરૂરી બને છે, લોકો પર વેરા ભાર ઘટશે તો વપરાશ વધશે. એટલું જ નહીં, બચત પણ વધી શકશે. આ વિષયમાં  બજેટ આવક વેરાની મુકિત મર્યાદા વધારવા-સુધારવા ઉપરાંત તેમાં બચત-રોકાણને પ્રોત્સાહન મળે એવી રાહતો આપી શકે છે.

જીએસટીના સુધારા

ચોથી વાત, જીએસટીમાં સુધારા આમ પણ થતા રહે છે, કિંતુ આ વખતે બજેટ તેના વિશેના સ્પષ્ટ સંકેતો આપશે એવું જણાય છે. ખુદ માજી નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ માટે તાજેતરમાં જ સંકેત આપ્યા હતા. આ કરવેરાને સરળ બનાવવો અનિવાર્ય છે, તેમાં ચોરી અટકાવવી આવશ્યક છે, જેથી જીએસટી બાબતે બે પ્રકારના પગલાં આવશે. એક સુધારાના -ઉદારતાના અને બીજા જીએસટી ચોરી યા કૌંભાંડ સામે આકરી સજાના.

ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે

પાંચમી વાત, ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ વિના દેશનો વિકાસ સંભવ નથી, વાસ્તે આ સેકટર માટે પ્રોત્સાહન અને તેમાં નાણાં પ્રવાહ આવતો રહે એ માટેના નકકર પગલાં અપેક્ષિત છે. જેમાં ખાસ બોન્ડસ ઈસ્યુ લાવવાની વાત થાય તો નવાઈ નહીં. આ હેતસુર સરકાર બજેટમાં બચત-રોકાણને ચોકકસ રાહત આપે એવું બની શકે.

ડિસઈન્વેસ્ટમેન્ટનો માર્ગ

છઠ્ઠી વાત, સરકારને પોતાને નાણાંની સખત જરૂર છે. એક માર્ગે તે રિઝર્વ બેંકના રિઝર્વમાંથી નાણાં લેવાનું વિચારે છે, જેથી નબળી બેંકોને સહાય કરી શકાય. બીજીબાજુ, ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત ભંડોળ ઊભું કરી સામાજીક યોજનાઓમાં વાપરી શકાય. ખાનગીકરણનો માર્ગ આ માટે બજેટ વધુ સરળ બનાવે એમ માની  શકાય.

બેરોજગારી  ઘટાડવા

સાતમી  વાત, બેરોજગારીની સમસ્યા ભારતમાં લાંબી ચાલે યા તીવ્ર બને એ દેશને પોષાય નહીં. વાસ્તે, સરકાર પોતાના વિભાગોમાં પણ નોકરી ઊભી કરશે, તેમ જ કામદાર ધારામાં સુધારા કરી જોબ સર્જનને વેગ આપવાનું કદમ ભરશે.

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન

આઠમી વાત, આ માર્ગને વધુ સરળ અને નવીન બનાવવા સ્ટાર્ટઅપ્સને વેગ આપવાનું, તેમની સમસ્યા દુર કરવાનું, તેને રાહતો આપવાનું, તેમનો માર્ગ સરળ બનાવવાનું કાર્ય બજેટમાં અવશ્ય હશે. આ વિષયમાં સરકાર સતત સક્રિય વિચારણા કરી રહી છે, જેના અમલનો સમય પાકી ગયો છે.

વિદેશી નાણાં પ્રવાહ માટે

નવમી વાત, વિદેશી નાણાં પ્રવાહ વિના વિકાસ સંભવ જણાતો નથી. ખાસ કરીને ચોકકસ સેકટર્સમાં ભારતને વિદેશી રોકાણ પ્રવાહની તાતી જરૂર છે. શેરબજારમાં આવતા રોકાણની જ વાત નથી, દેશને  સીધા વિદેશી રોકાણની પણ તાતી આવશ્યકતા છે. આ માટે વિદેશી રોકાણ બાબતે સરકાર સમયાંતરે  ઉદારીકરણ કરતી રહી છે. આ વખતે આ દિશામાં વધુ આગળ વધાશે.

બેંકોની બેડ લોન્સ માટે

દસમી વાત, આ  વખતે બેંકોની બેડ લોન્સની સમસ્યાના ઉપાય માટે વધુ નકકર પગલાં આવી શકે છે, જેમાં સ્ટ્રેસ્ડ એસેટસ માટે ખાસ ફંડ ઊભું કરાવાની શકયતા છે. વધુ બેંકોના મર્જરની દરખાસ્ત પણ આગળ વધી શકે છે.  કેટલીક બાબતોમાં રિઝર્વ બેંકની સત્તા વધારાય એવું પણ બની શકે.

જળશકિત માટે નીતિ આવી શકે

અગિયારમી વાત, આ બજેટમાં પ્રથમવાર પાણીને વિશેષ મહત્ત્વ અપાવાનું છે. આ મુદો્ વડાપ્રધાને હાથ ધર્યો છે. જળશકિત અને સંચયને વેગ આપવાનું કદમ બજેટ ભરશે. આ માટે ખાસ નીતિ ઘડાય તો પણ નવાઈ નહીં. પાણીની સમસ્યા પ્રત્યે સરકાર વધુ ગંભીર બની રહી છે. તેનું પરિણામ બજેટમાં જોવા મળે એવી આશા છે.

થોડા વેરાબોજના આંચકા

બારમી વાત, બજેટ નાણાં ઊભા કરવા માટે નવા માર્ગ અપનાવશે, જેમાં કયાંક આંચકા આપે તો નવાઈ નહીં. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ વધારવામાં આવી શકે , આમ તો એક આશા આ ટેકસને પુનઃ મુકિત આપવાની માગણી છે. જે હાલ દસ ટકા છે. એસ્ટેટ ડયુટી વધી શકે છે. બેન્કિગ ટ્રાન્ઝેકશન ટેકસ અને કયાંક સરચાર્જના નામે નવા ટેકસ આવી શકે છે.

છેલ્લી વાત, મળીએ બજેટના દિવસે

યાદ રહે, ‘ચિત્રલેખા’ દર વરસની જેમ આ વરસે પણ બજેટની જાહેરાતો તેમ જ તેની અસરની બજેટના દિવસે વિગતવાર છણાવટ કરશે, જેમાં વિવિધ વિષયને વિવિધ નિષ્ણાંતો આવરી લેશે. મળીએ છીએ પાંચમી જુલાઈએ…બજેટના દિવસે…

(લેખક જાણીતા આર્થિક પત્રકાર છે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]