બજેટ-૨૦૧૯ સમીક્ષાઃ ફેસલેસ ઈ-એસેસમેન્ટને કારણે વેરા અધિકારી કરદાતાને હેરાન નહિ કરી શકે, સમયની બચત થશે

પરેશ કપાસી (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)

યુનિયન બજેટ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશ કપાસીએ જણાવ્યું કે પ્રથમ વાર ઘર ખરીદવા પર 2,00,000 રૂપિયાના ઈન્ટરેસ્ટ ડિડક્શન ઉપરાંત 45 લાખ રૂપિયા સુધીના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યનું ઘર ખરીદવા પર રૂ.1,50,000 લાખનું અતિરિક્ત ડિડક્શન  નવા સેક્શન 80ઈઈએ હેઠળ આપવામાં આવ્યું તે નીચલા મધ્યમ વર્ગ માટે ચોક્ક્સ લાભકાર્તા છે અને યુવા લોકો પોતાના માલિકીના ઘરના સપનાને સાકાર કરી શકશે.

સુપરરિચ એટલે કે અતિ શ્રીમંત લોકો નવાં નાણાપ્રધાન પ્રતિ ગુસ્સે ભરાયેલા હશે, કારણ કે પાંચ કરોડથી અધિક કરપાત્ર આવક ધરાવતા સુપરરિચ કરદાતાઓ પર 42.33 ટકા, બે કરોડથી પાંચ કરોડની આવક ધરાવનારાઓ પર 38.63 ટકા કર લાદવામાં આવ્યો છે, પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવક વેરો ન લાદવાને કારણે થતી ખોટ સુપરરિચ પરના વેરા દ્વારા વસૂલ કરવામાં આવે છે.

રૂ.250 કરોડથી રૂ.400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પરનો વેરો 30 ટકાથી ઘટાડીને 25 ટકાનો કરાયો છે, એથી તેમને વેરામાં પાંચ ટકાની વચત થશે.

એક કરોડ રૂપિયાથી અધિકની ડિપોઝિટ, ફોરેન ટ્રાવેલ પર બે લાખ રૂપિયાથી અધિકનો ખર્ચ કે ઈલેક્ટ્રિસિટી પર એક લાખ રૂપિયાથી અધિક ખર્ચ કરનારાઓએ ફરજિયાત રિટર્ન ભરવું પડશે. કરદાતાઓની સંખ્યા વધારવા આમ કરવામાં આવ્યું છે.

સરકારે કેશલેસ ઈકોનોમીને ઉત્તેજન આપવા માટેનાં પગલાં રૂપે એક કરોડથી અધિકના રોકડના ઉપાડ પર બે ટકાનો વેરો લાદ્યો છે. ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર કોઈ ચાર્જ નહિ લાગે. ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને ઉત્તેજન આપવા સરકારે તેના પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે અને વાહન ખરીદવાની લોન પરના રૂ.1.50 લાખના વ્યાજના ડિડક્શનની છૂટ આપવામાં આવી છે.

ફેસલેસ ઈ-એસેસમેન્ટને કારણે વેરા અધિકારી કરદાતાને હેરાન નહિ કરી શકે અને સમયની બચત થશે. આધારને વધુ માન્યતા આપવામાં આવી છે અને તે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં પણ વાપરી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]