સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટીમાં અણધાર્યો વધારો, સરકારી ખાધ ઘટશે પણ જવેલરી ઉદ્યોગ પડી ભાંગશે

 મયૂર મહેતા (મેનેજિંગ તંત્રી, કોમોડિટી વર્લ્ડ-કૃષિ પ્રભાત)

કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટીમાં અણધાર્યો વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરાઇ હતી તેમજ ગોલ્ડ ડોરેની ઇમ્પોર્ટ ડયુટી ૯.૩૫ ટકાથી વધારીને ૧૧.૮૫ ટકા અને સિલ્વર ડોરેની ઇમ્પોર્ટ ડયુટી ૮.૫૦ ટકાથી વધારીને ૧૧ ટકા કરાઇ હતી. સોના-ચાંદી સહિત તમામ પ્રેસિયસ મેટલ એટલે કે પ્લેટિનમ, પેલેડિયમની ઇમ્પોર્ટ ડયુટી પણ ૧૨.૫ ટકા કરાઇ હતી.

સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટી વધારવાનું મુખ્ય લક્ષ્ય કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને કાબૂમાં લેવાનું છે. કોંગ્રેસ પ્રેરિત યુપીએ સરકારે ૨૦૧૩માં સોનાની ઇમ્પોર્ટ ડયુટી વધારીને ૧૦ ટકા કરી ત્યારે પણ આ જ લક્ષ્ય હતું અને હાલ પણ ડયુટી વધારા પાછળનું આ જ લક્ષ્ય છે પણ સરકારના આ નિર્ણયની જવેલરી ઉદ્યોગ પર ગંભીર અસર પડશે અને સોનાની દાણચોરી એટલે કે સ્મગલીંગને વધુ પ્રોત્સાહન મળશે. ૨૦૧૩માં જ્યારે તત્કાલીન નાણામંત્રી પી. ચિદ્મ્બરમે સોનાની ઇમ્પોર્ટ ડયુટી ૧૦ ટકા વધારી ત્યારથી દેશમાં સોનાનું સ્મગલીંગ સતત વધી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં ૧૫૦ થી ૨૦૦ ટન સોનાનું સ્મગલીંગ થાય છે. દેશની સોનાની કુલ ઇમ્પોર્ટ ૭૦૦ થી ૮૦૦ ટન વચ્ચે થઇ રહી છે, આમ, સોનાની કુલ ઇમ્પોર્ટનું ચોથા ભાગનું સોનું દેશમાં સ્મગલીંગથી આવી રહ્યું છે. બીજો મહત્વનો ફેરફાર એ થયો છે કે ૨૦૧૩ અગાઉ સમગ્ર એશિયામાં ભારતીય જવેલરી ઇન્ડસ્ટ્રીઝની શાખ ટોચ પર હતી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ભારતીય જવેલરી ખરીદવાનો ક્રેઝ હતો પણ ૨૦૧૩ પછી ભારતીય જવેલરી માર્કેટ સતત તુટી રહી છે અને તેને બદલે દુબઇ, શારજહા, મસ્તક, કુવૈત, ચીન, સિંગાપુરમાં જવેલરી માર્કેટનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આમ, જવેલરી ઉદ્યોગ પડી ભાંગતાં દર વર્ષે અનેક સ્કીલ કારીગરો બેકાર બની રહ્યા છે.

બજેટમાં ડયુટી વધતાં હવે સોનાના સ્મગલીંગને વધુ ઉત્તેજન મળશે કારણ કે સરકારની કડક ચેકીંગ વ્યવસ્થા હોવા છતાં પણ જો દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ ટન સોનું સ્મગલીંગથી આવતું હોય તો હવે પણ આ રીતે સોનું આવતું કોઇ રોકી શકશે. સરકાર સ્મગલરોને પકડવા નવા નવા નુસખાઓ શોધે છે તે જ રીતે સ્મગલરો પણ સરકારની નજરમાંથી છટકવાના નવા નવા નુસખાઓ શોધીને બેરોકટોક સ્મગલીંગ કરી રહ્યા છે. જ્યારે ૧૦ ટકા સોનાની ઇમ્પોર્ટ ડયુટી હતી ત્યારે સ્મગલરોને પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૦૦ થી ૨૪૦૦ રૂપિયાની તગડી કમાણી થતી હતી જે હવે વધીને ૨૫૦૦ થી ૨૮૦૦ રૂપિયાની થશે જેનાથી સોનાનું સ્મગલીંગ વધશે.

સોના-ચાંદીની ડયુટી વધતાં સ્વભાવિક રીતે જ સોના-ચાંદીની ઇમ્પોર્ટ પડતર અઢી ટકા વધતાં તેની સીધી અસર ભાવ પર થશે. સોનાના ભાવ હાલ વધીને છ વર્ષની ઊંચાઇએ પહોંચ્યા છે. સોનાનો ભાવ ડયુટી વધ્યા બાદ પ્રતિ ૧૦ ગ્રામ ૬૦૦ થી ૭૦૦ રૂપિયા વધશે એ જ રીતે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો ૮૦૦ થી ૯૦૦ રૂપિયા વધશે.

ગામડાને સમૃધ્ધ કરવાના ભરપૂર પ્રયાસો, સાથે પરંપરાગત ખેતીનો નવો અભિગમ 

નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ બજેટમાં ‘ગાંવ,ગરીબ અને કિશાન’નો ઉલ્લેખ કરીને ગામડાને સમૃધ્ધ કરવા અનેક શ્રેણીબધ્ધ અને દેશને વાસ્તવિક વિકાસ તરફ દોરતાં પગલાંની જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે સાચુ ભારત ગામડામાં વસતું હોઇ જ્યાં સુધી ગ્રામ્ય ભારતનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો સાચો વિકાસ નહીં થાય. આ મંત્રનો ઉલ્લેખ કરીને નાણામંત્રીઓ ગ્રામ્ય ભારતને સમૃધ્ધ કરવા અનેક યોજનાઓ બજેટમાં જાહેર કરી હતી. ગામડાને સમૃધ્ધિ તરફ દોરી જઇને ખેતીમાં પરંપરાગત ખેતીનો નવો અભિગમ લાવવા ઉમદા પ્રયાસ કરાયો છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર આરૂઢ થયા બાદ દરેક ઘરમાં ટોયલેટ, એલપીજી ગેસ અને ઇલેકટ્રિસિટીનું લક્ષ્ય નક્કી કરાયું હતું. મોદી સરકારે પાંચ વર્ષના શાસનમાં દેશમાં કુલ ૯.૬ કરોડ ટોયલેટ બાંધ્યા હતા હવે બજેટમાં દરેક ગામડામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ ઊભી કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. પાંચ વર્ષના શાસનમાં  ગામડામાં વસતા દરેકના ઘરમાં ટોયલેટ, એલ.પી.જી. અને ઇલેકટ્રિસિટીનું  લક્ષ્ય લગભગ પૂર્ણ થયા બાદ હવે આ ત્રણેય સુવિધા સાથેનું મકાન દરેક ગામડામાં ઘરવિહોણાને આપવા માટે બજેટમાં ૨૦૨૨ સુધીનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું, જેમાં કુલ ૧.૯૫ કરોડ નવા ગ્રામિણ મકાનો ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત આવતાં પાંચ વર્ષમાં ૧.૨૫ લાખ કિલોમિટર ગ્રામિણ સડકો બનાવવા માટે બજેટમાં ૮૦,૨૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. આમ, ગામડામાં વસતા દરેકને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની કટિબધ્ધતાં દરેક યોજનામાં દેખાતી હતી. સમૃધ્ધ ભારતમાં ગામડા અને શહેરો વચ્ચેની ખાઇ દિવસેને દિવસે વધી રહી હતી જેને કારણે ગામડાં ભાંગી રહ્યા હતા અને શહેરો વધુને વધુ ગીચ બનતાં જતાં હતા ત્યારે દેશના દરેક ગામડાને પ્રાથમિક સુવિધા આપીને વિકાસના માર્ગે લઇ જવાનો પ્રયાસ બજેટમાં વધુ સારી રીતે કરાયો હતો.

ગામડામાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાયા બાદ આધુનિક ભારતની ઝાંખી પણ ગામડામાં જોઇ શકાય તે માટે બે કરોડ ગ્રામિણ યુવાઓને ડિઝિટલ નોલેજ આપવાનું બજેટમાં લક્ષ્ય નક્કી કરાયું હતું તેમજ દેશની દરેક પંચાયતને ઇન્ટરનેટ કનેકશન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગામડાના વિકાસ સાથે ખેડૂતોના વિકાસ માટે બજેટમાં એક નવો અભિગમના દર્શન થયા હતા. હાલ અનેક પ્રગતિશીલ ખેડૂતો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઝીરો બજેટ ફાર્મિગનો જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. પદ્મક્ષી સુભાષ પાલેકર દ્વારા દેશભરમાં ઝીરો બજેટ ફાર્મિગની શિબિરો યોજાઇ રહી છે અને આ શિબિરોમાં લાખો ખેડૂતો પોતાના સ્વખર્ચે જોડાઇને ઝીરો બજેટ ફાર્મિગને અપનાવી રહ્યા છે ત્યારે સરકારે આ દિશામાં પહેલ કરીને દેશની ખેતીને નવી દિશામાં લઇ જવાનો પ્રયાસ કર્યો છે. ઝીરો બજેટ ફાર્મિગથી અનેક પ્રકારના ફાયદા થાય છે. રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતાં ઘટે છે, ઉપરાંત રાસાયણિક ખાતરના ઉપયોગથી કૃષિપેદાશો ઝેરી બની રહી છે જેને કારણે માનવીમાં કેન્સર અને અનેક બિમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. વળી રાસાયણિક ખાતરના વધુ પડતાં ઉપયોગથી દેશની એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં મસમોટો ઘટાડો થયો છે. ઝીરો બજેટ ફાર્મિગથી આ તમામ આડઅસરોનું નિવારણ થઇ જાય છે. ઝીરો બજેટ ફાર્મિગના કેન્દ્રમાં ગાય આધારિત ખેતી રહેલી છે ઉપરાંત કુદરતી સંપદાનો ઉપયોગ કરીને ખેતી થતી હોઇ તેની કોઇ આડઅસર જોવા મળતી નથી, જમીનની ફળદ્રુપતાં જળવાય રહે છે અને માનવજીવનને કેમિકલ રહિત કૃષિપેદાશો મળતાં સરકારની ‘સ્વસ્થ ભારત’ની પરિકલ્પનાને બળ મળી રહ્યું છે.

પરંપરાગત ખેતી ઉપરાંત ખેડૂતોને બામ્બુ અને મધની ખેતી દ્વારા વધુ આવક થાય તે માટે આ બંનેના કલ્સ્ટર બનાવીને ૫૦ હજાર ખેડૂતોને આ કાર્યમાં જોડવાનું આયોજન બજેટમાં કરાયું છે. દરેક ગામડામાં ખાદી કલ્સ્ટર બનાવવાનો વિચાર પણ બજેટમાં રજૂ થયો હતો. દેશમાં બામ્બુ, મધ અને ખાદીના ૧૦૦ નવા કલ્સ્ટર બનાવવામાં આવશે.

ખેડૂતોને તેમના ખેતીખર્ચ પર ૫૦ ટકા નફો મળે તે માટેના પ્રયાસો છેલ્લા પાંચ વર્ષથી થઇ રહ્યા છે અને આ અભિયાનમાં આગળ વધવા ૧૦ હજાર નવા એફપીઓ ( ફાર્મર પ્રોડયુસિંગ ઓર્ગેનાઇઝેશન) બનાવવાની જાહેરાત બજેટમાં થઇ છે. એફપીઓ દ્વારા ખેડૂતોનું જૂથ રચીને ખેતીમાં આધુનિકતાં લાવીને ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ થાય છે. આમ, બજેટમાં ગામડું અને ખેડૂત, બંનેના વિકાસ માટે ભરપૂર પ્રયાસ તે પણ નવા અભિગમ સાથે કરાયા છે તેના દ્રારા નવું ભારત રચવાનો વિશ્વાસ મજબૂત થયો છે.

ગામડાના વિકાસ માટે કોઇ કચાસ રખાઇ નથી પણ દેશની ખેતીના વિકાસ માટે વધુ પગલાંઓ લઇ શકાય તેમ હતા. ખાસ કરીને દેશમાં હાલ માત્ર ૪૬ ટકા વિસ્તારને સિંચાઇની સુવિધા મળી રહી છે. ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં ૧૦૦ ટકા વિસ્તારને સિંચાઇની સુવિધાની ખાતરી આપવામાં આવી હતી પણ બજેટમાં સિચાઇની સુવિધા માટે કોઇ નવી ફાળવણી કરાઇ નથી. હાલ દેશમાં ૯૯ સિંચાઇના પ્રોજેકટ ચાલી રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં આ ૯૯ પ્રોજેકટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ પહેલા પૂરા કરવાની ખાતરી અપાઇ હતી પણ તેનો ઉલ્લેખ બજેટમાં થયો નથી. આ ઉપરાંત ખેડૂતોની કમાણી વધારવાનું મુખ્ય માધ્યમ માર્કેટ છે ત્યારે કૃષિ માર્કેટને મજબૂત કરવાના કોઇ ઠોસ પ્રયાસો બજેટમાં કરાયા નથી. ઇ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ)નો માત્ર ઉલ્લેખ જ થયો હતો પણ આ પ્રોજેકટમાં ધારી પ્રગતિ થઇ શકી નથી ત્યારે માર્કેટને મજબૂત કરવાના બીજા કોઇ ઉપાયો બજેટમાં જાહેર થયા હોત તો ખેતીનો વિકાસ વધુ ઝડપથી આગળ વધી શકત. આ ઉપરાંત ભારતના મુખ્ય ખેતી પાકોનું પ્રતિ હેકટર ઉત્પાદન વિશ્વની એવરેજથી ૪૦ ટકા ઓછું છે ત્યારે આ ખોટને ભરપાઇ કરવાની કોઇ યોજના પણ બજેટમાં આવે તેવી ધારણા હતી તેની કોઇ જાહેરાત થઇ નથી. નાણામંત્રીએ કઠોળના ઉત્પાદનમાં ભારતને સ્વાવલંબી બનાવવા માટે દેશના ખેડૂતોના વખાણ કર્યા હતા અને તેલીબિંયાના ઉત્પાદનમાં પણ ભારત સ્વાવલંબી બને તે માટે અનુરોધ કર્યો હતો પણ ખાદ્યતેલોની ઇમ્પોર્ટેને નિયંત્રણમાં લાવવા તેની ઇમ્પોર્ટ ડયુટી બજેટમાં વધારાઇ નહોતી. ચણાની ઇમ્પોર્ટ ડયુટી ઝીરોથી વધારીને ૭૦ ટકા કરાઇ તેમજ વટાણાની ઇમ્પોર્ટ સાવ બંધ કરી ત્યારે ભારત કઠોળના ઉત્પાદનમાં સ્વાવલંબી બની શક્યું છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેલીબિયાંની ઇમ્પોર્ટ પર ડયુટી લદાઇ હોત તો તેલીબિંયાના ઉત્પાદનમાં ભારત ઝડપથી સ્વાવલંબી બની શકત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]