બીએસઈ રિટેલ રોકાણકારોને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સના લિલામોમાં બિડિંગની સુવિધા પૂરી પાડશે

મુંબઈ – દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (એસડીએલ્સ) માટેની નોન-કોમ્પિટિટિવ (બિનસ્પર્ધાત્મક) બિડિંગ સુવિધા જાહેર કરી છે. રિટેલ ઈન્વેસ્ટરો હવે આ લિલામોમાં સરળ ઓનલાઈન રજિસ્ટ્રેશન મારફત ભાગ લઈ શકશે.

બીએસઈની નોન-કોમ્પિટિટિવ બિડિંગ ફેસિલિટી ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ અને ટ્રેઝરી બિલ્સ ઉપરાંતની હશે જે અત્યારે બીએસઈ ડાયરેક્ટ એપ અને બીએસઈડાયરેક્ટ.કોમ વેબસાઈટ પર ઓફર કરાઈ રહેલી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઈશ્યુ કરાતી ડેટેડ સિક્યોરિટીઝ માટે હાથ ધરવામાં આવતાં લિલામની જેમ રાજ્ય સરકારો દ્વારા સામાન્ય લિલામ દ્વારા સિક્યુરિટીઝ ઈશ્યુ કરવામાં આવે છે, જ્યાં વ્યાજ અર્ધ-વાર્ષિક ધોરણે મળે છે અને મૂળ રકમ પાકતી મુદતે ચૂકવવામાં આવે છે.

રિટેલ સામેલગીરીને પ્રોત્સાહન આપવાનાં વિવિધ પગલાંના ભાગરૂપે રિઝર્વ બેન્કે એસડીએલ્સના પ્રાઈમરી ઓક્શન્સનો એક્સેસ પૂરો પાડ્યો છે. વિવિધ રાજ્ય સરકારોએ ડેટેડ સિક્યુરિટીઝ ઈશ્યુ કરે છે અને તેનાં લિલામ રિઝર્વ બેન્ક દ્વારા હાથ ધરવામાં આવે છે. નોટિફાઈડ રકમના દસ ટકાની ફાળવણી પાત્ર રોકાણકારોને કરવામાં આવે છે.

આ નવી લોન્ચ કરવામાં આવેલી સુવિધા અંગેની ટિપ્પણમાં બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “અમને ખુશી છે કે હવેથી બીએસઈ આરબીઆઈના નોન-કોમ્પિટિટિવ લિલામમાં રિટેલ ઈન્વેસ્ટર્સની બીડ એકત્ર કરવાની અને આરબીઆઈને સિંગલ બીડ સુપરત કરવાની સુવિધા પૂરી પાડી શકશે. આ સુવિધા મૂડીબજારને મજબૂત બનાવવામાં બહુ ઉપયોગી નીવડશે.”