બોર્ડ સભ્યોના વિરોધથી CEO ચંદા કોચરની ખુરશી ખતરામાં

નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપને લોન આપવાના મામલે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરની ખુરશી ખતરામાં આવી ગઈ છે. ચંદા કોચર વિરૂદ્ધ અત્યારે બેંકના બોર્ડ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડના કેટલાક ડાયરેક્ટર્સે ચંદા કોચરના પદ પર યથાવત રહેવાને લઈને વિરોધ દર્શાવ્યો છે. આ મામલાની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે ત્યારે આવામાં બોર્ડમાં આ વાતને લઈને મતભેદ છે કે ચંદા કોચરને પદ પર યથાવત રહેવું જોઈએ કે નહીં.

કેટલાક ડાયરેક્ટર્સ એ વાતની વિરૂદ્ધ છે કે ચંદા કોચર પોતાના પદ પર યથાવત રહેવા જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંકનું બોર્ડ આ સપ્તાહે આગળ કયું પગલું ભરવું તે અંગે નિર્ણય લેવા માટે એક બેઠક કરશે. ચંદા કોચરનો સીઈઓના પદ પરનો કાર્યકાળ 31 માર્ચ 2019ના રોજ પૂર્ણ થશે.

બોર્ડે ચંદા કોચર પર મૂક્યો હતો ભરોસો

આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડમાં 12 સભ્યો છે. બોર્ડે કેટલાક અઠવાડીયા પહેલા લોનને મંજૂરી આપવાની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી અને આ પ્રક્રિયાને મજબૂત બતાવી હતી. બોર્ડના ચેરમેન એમકે શર્માના જણાવ્યા અનુસાર આ મામલે કોઈને ફાયદો પહોંચાડવા અથવા હિતોના ટકરાવનો કોઈ સવાલ જ નથી. તેમણે ચંદા કોચર પર પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયોકોન ગ્રુપમાં રોકાણકાર અરવિંદ ગુપ્તા પર આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપીયાની લોન ખોટી રીતે આપી હતી. આમાં બેંક અધિકારીઓ અને વીડિયોકોન ગ્રુપ વચ્ચે મિલીભગત હતી. આ ગ્રુપ લોન ચૂકવી ન શક્યું અને પૂરી લોન એનપીએ થઈ ગઈ.

તેમનો આરોપ છે કે વીડિયોકોન ગ્રુપે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરને આર્થિક ફાયદો પહોંચાડ્યો છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે કે શું લોન કોઈને ફાયદો પહોંચાડવા માટે આપવામાં આવી હતી કે કેમ?