બીએમડબલ્યુ દુનિયાભરમાંથી તેની 16 લાખ ખામીયુક્ત કાર પાછી મગાવશે

મુંબઈ – જર્મનીના મ્યુનિકસ્થિત અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપની BMWએ દુનિયાભરમાંથી તેની 16 લાખ ડિઝલ કાર પાછી મગાવીને તેમાં રહી ગયેલી ક્ષતિને દૂર કરી આપવાનો નિર્ણય લીધો છે. તેને એવી ફરિયાદ મળી છે કે આ કારોની એક્ઝોસ્ટ સિસ્ટમમાં એવી ખામી રહી ગઈ છે કે જેને કારણે અત્યંત ગરમીની સ્થિતિમાં આગ લાગી શકે છે.

BMWએ જણાવ્યું છે કે એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યૂલેશન (ઈજીરા) કૂલર નામના એક ભાગમાંથી કૂલિંગ પ્રવાહીનું ગળતર થઈ શકે છે અને એને કારણે ડ્રાઈવિંગ કરતી વખતે તણખા ઝરી શકે છે.

જે વાહનોમાં આ ક્ષતિ હોવાનું માલૂમ પડ્યું છે તે 2010 અને 2017 વર્ષો દરમિયાન બનાવવામાં આવી છે.

BMW કંપનીએ દક્ષિણ કોરિયામાં તેની કારમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ એશિયા તથા યુરોપમાં 4,80,000 કારને પાછી મગાવી જ લીધી છે. સદ્દભાગ્યે કોઈ કિસ્સામાં કોઈને ઈજા થઈ નથી.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત કારોના માલિક ગ્રાહકોનો પોતે સંપર્ક કરશે.

અમેરિકા અને કેનેડામાં 54,700 કારમાં આ ખામી હોવાનું માલૂમ પડ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]