બ્લેક મન્ડેઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા

મુંબઈઃ સોમવારે શેરબજારોમાં જોરદાર વેચવાલી થઈ હતી, જેમાં રોકાણકારોના રૂ. સાત લાખ કરોડ ડૂબ્યા હતા.  બ્રિટન સહિત યુરોપના દેશોમાં કોરોના વાઇરસ બેકાબૂ થતાં સ્થાનિક શેરબજારોમાં ભારે ઘટાડો થયો હતો. નવા પ્રકારના વાઇરસને કારણે દેશમાં આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ઇમરજન્સી બેઠક બોલાવી હતી. એ બેઠક પછી યુકેથી આવતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા પ્રકારનો વાઇરસ પહેલાં કરતાં 70 ટકા વધુ ખતરનાક હોવાનું જણાવવામાં આવ્યું છે. જેથી એવી દહેશત હતી કે આર્થિક કામકાજ પર ફરી બ્રેક લાગી શકે છે.

સોમવારે સ્થાનિક બજારમાં આવેલા ઘટાડાથી બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 185 લાખ કરોડથી ઘટીને રૂ. 178 લાખ કરોડ પર આવી ગયું હતું. સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યા પછી 1407 પોઇન્ટ તૂટીને 45,554ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 432 પોઇન્ટ તૂટીને 13,328 પોઇન્ટની સપાટી બંધ આવ્યો હતો.

બીએસઈની 473 શેરોમાં સોમવારે લોઅર સરકિટ લાગી હતી. એમાં પ્રોઝોન ઇન્ટુ., સ્પાઇસ જેટ, ગ્રેફાઇટ ઇન્ડિયા, વિપુલ, ટાટા સ્ટીલ પીપી અને હિન્દુસ્તાન કોપરના શેર સામેલ છે. ઇન્ડિયા વીઆઇએક્સ સોમવારે 21.74 પોઇન્ટ વધીને 22.76એ પહોંચ્યો છે. આ ઇન્ડેક્સમાં ઉછાળો મંદીવાળાની પકડ શેરબજારમાં વધી હોવાના સંકેત છે. વીઆઇએક્સમાં તેજીનો અર્થ બજારમાં ઘટાડો આગળ ધપશે.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. નિફ્ટીના મુખ્ય 11 ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. બેન્ક, ઓટો અને મેટલ, ફાર્મા, એફએમસીજી અને આઇટી શેરોમાંમ ભારે વેચવાલીથી ઘટાડો થયો હતો. રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક એચડીએફસી બેન્ક, આઇટીસી અને એચડીએફસીના એમ-કેપમાં રોકાણકારોના રૂ. 1.95 લાખ કરોડ સ્વાહા થયા હતા.