આયુષ્માન ભારત યોજનાની સફળતાથી અચંબિત થયાં બિલ ગેટ્સ….

નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્સે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાના વખાણ કર્યા છે. તેમણે આ યોજનાના લોન્ચિંગના 100 દિવસમાં 6 લાખથી વધારે લોકો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યા પર સુખદ આશ્ચર્ય પ્રગટ કર્યું છે.

તેમણે યોજનાની સફળતા માટે ભારત સરકારને શુભકામનાઓ પણ આપી છે. તેમણે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર લખ્યું કે આયુષ્માન ભારતના પ્રથમ 100 દિવસના મોકા પર સરકારને શુભકામનાઓ. બિલ ગેટ્સે જણાવ્યું કે એ જોઈને સારુ લાગે છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.

હકીકતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ 2 જાન્યુઆરીના રોજ ટ્વિટ કરતા જણાવ્યું કે 100 દિવસની અંદર જ 6 લાખ 85 હજાર લાભાર્થિઓએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત ઉપચારનો ફાયદો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે લાભાર્થીઓની સંખ્યા તેજીથી વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગત વર્ષે 2018ના બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આરએસએસ વિચારક દીન દયાલ ઉપાધ્યાયની જયંતી 25 સપ્ટેમ્બરના રોજ આને લોન્ચ કરી હતી. આ અંતર્ગત ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રુપિયાની મફત સારવારની વ્યવસ્થા છે. તો કેટલાક લોકો આને મોદી કેર નામથી પણ ઓળખે છે. આયુષ્માન ભારતના સીઈઓ ડો. ઈંદુ ભૂષણે જણાવ્યું કે બુધવાર સુધીમાં આશરે 8.50 લાખ લોકોએ યોજનાનો લાભ લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]