નોટબંધીનો ખોફઃ આવકવેરાના દરોડામાં બે હજારની નોટો નથી મળતી!!

નવી દિલ્હીઃ સંપત્તિખોરો, કરચોરો પર આવકવેરા વિભાગનું તંત્ર ત્રાટકે ત્યારે મોટી સંખ્યામાં મળી આવતી ધનદોલતમાં મોટી નોટોનું પ્રમાણ વધુ રહેતું હોય છે. પણ હવે ધનકુબેરો નાણાંની સંઘરાખોરી માટે મોટી નોટો રાખવાથી બચી રહ્યાં છે. આ તારણ નીકળ્યું છે આવકવેરાના દરોડા વિભાગ દ્વારા.સામાન્ય રીતે આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓના દરોડામાં અગાઉ મોટી રકમ ધનવાનો પાસેથી કાળા નાણાંના રુપમાં મળી આવતી રહી છે. પરંતુ હવે આ વલણ બદલાઈ રહ્યું છે. 2016માં નવેમ્બરમાં થયેલી નોટબંધી પછી ગેરકાયદે નાણાં જમા કરનારાઓના મગજમાં એવો ભય પેદા થયો છે કે સરકાર ક્યારે મોટી નોટો બંધ કરી દે તે નક્કી નહીં. હાલ માર્કેટમાં સૌથી મોટા મૂલ્યની નોટ 2000ની છે, પરંતુ સરકારના જણાવ્યા અનુસાર 2 હજાર રૂપિયાની નોટો આવકવેરા વિભાગની વસૂલવામાં આવેલી રકમમાં વધારે મળી રહી નથી. ગુરુવારે સરકારે કહ્યું કે 2017-18માં વિભાગના દરોડામાં વસૂલવામાં આવેલ નાણાંનો 68 ટકા હિસ્સો 2000ની નોટોનો હતો જે આ વર્ષે ઘટીને 43 ટકા થઈ ગયો છે.

2,000 રુપિયાની નોટોની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાનો અંદાજ છે કારણ કે રીઝર્વ બેંકે આ નોટોનો પ્રવાહ ઓછો કર્યો છે. આ સિવાય લોકો નોટબંધીથી ડરતા પણ થયાં છે. હવે કાળાં નાણાં જમા કરનારા લોકો નાની નોટોને પ્રાધાન્ય આપે છે. સંસદમાં એક સવાલના જવાબમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, છેલ્લાં 3 નાણાકીય વર્ષોમાં નાણાંની રિકવરી અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે 2000ની નોટો કબજે કરવામાં સતત ઘટાડો થયો છે. હવે તે ત્રણ વર્ષમાં 67.9 ટકાથી ઘટીને 43.2 ટકા પર આવી ગયું છે.