કોલકાતા: ટેલિકોમ કંપની ભારતી એરટેલ દેશભરમાં 4G નેટવર્ક ઓફર કરવા અને હરીફ કંપની રીલાયન્સ જિઓને ટક્કર આપવા માટે જંગી મૂડીભંડોળ એક્ઠું કરવાનો પ્લાન બનાવી રહી છે. જેથી કંપનીએ પોતાની જ પેટાકંપની ભારતી ઇન્ફ્રાટેલમાંથી વધુ 32 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે, આ હિસ્સો વેચવાને કારણે ઈન્ફ્રાટેલમાં એરટેલનો હિસ્સો 50.33 ટકાથી ઘટીને 18.33 ટકા થઈ જશે.
આ સિવાય, ભારતી એરટેલના બોર્ડે ભંડોળ મેળવવાના વિવિધ વિકલ્પોની ચકાસણી કરવા માટે એક પેનલની નિમણૂક કરી છે, અને કંપનીના નવા CFO તરીકે પહેલી માર્ચથી બાદલ બાગ્રીનું નામ જાહેર કર્યું હતું. તેઓ ગ્લોબલ CFO નિલંજન રોયની જગ્યાએ હોદ્દો સંભાળશે કારણ કે, રોયે ઇન્ફોસિસમાં જોડાવા માટે રાજીનામું આપ્યું છે.
ભારતની બીજા ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલે જણાવ્યું હતું કે, “બોર્ડે ભારતી ઇન્ફ્રાટેલના 59.187 કરોડ (32 ટકા) સુધીના ઇક્વિટી શેર્સ પોતાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની નીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સ લિને વેચવા/ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે, જે શેરહોલ્ડર્સની મંજૂરીને આધીન રહેશે.” શેર્સ ટ્રાન્સફર કર્યા બાદ નીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સનું ભારતી ઇન્ફ્રાટેલમાં હોલ્ડિંગ 3.18 ટકાથી વધીને 35.18 ટકા થઈ જશે.
છેલ્લા 21 મહિનાથી ભારતી એરટેલ તેની લિસ્ટેડ ટાવર કંપનીમાંનો હિસ્સો સતત ઘટાડીને ફંડ એકત્ર કરી રહી છે, જેથી ઋણમાં ઘટાડો થઈ શકે. તેણે આવી રીતે હિસ્સો વેચીને અત્યાર સુધીમાં 12,000 કરોડ જેટલું ભંડોળ મેળવી લીધું છે પરંતુ તે પૂરતું ન હોવાથી કંપનીએ માર્ચ 2018માં જણાવ્યું હતું કે, તે 4G વિસ્તરણની યોજનામાં આગળ વધવા માટે વધારે મોટો હિસ્સો વેચે તેવી શક્યતા છે.
એરટેલે અન્ય એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના બોર્ડે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર અને બેલેન્સ શીટ મજબૂત કરવાના હેતુસર ભંડોળ એકત્ર કરવાના વિવિધ વિકલ્પોની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે સ્પેશિયલ કમિટી ઓફ ડિરેક્ટર્સની રચના કરી છે.